ભરૂચમાં ગેરકાયદેસર હથિયાર સાથે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો: સેવાશ્રમ રોડ પરથી સિંગલ બેરલ બંદુક અને 6 કારતુસ સાથે પોલીસે ઝડપી લીધો

સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં ગેરકાયદેસર હથિયાર સામે એસ.ઓ.જી. ભરૂચે કડક કાર્યવાહી કરી છે. સેવાશ્રમ રોડ પરથી એક હથિયારી સિક્યુરિટી ગાર્ડને સિંગલ બેરલ બંદુક અને ૬ જીવતા કારતુસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પીઆઈ એ.વી.પાણમીયા અને પીઆઈ એ.એચ.છૈયાની આગેવાની હેઠળની ટીમને અ.હે.કો. કિર્તીકુમાર ભાર્ગવ દ્વારા બાતમી મળી હતી. આ બાતમીના આધારે હોસ્ટેલ ગ્રાઉન્ડના ગેટ પાસે કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલ આરોપીની ઓળખ ક્રુષ્ણકુમાર વિશ્રામ યાદવ (મૂળ ઉન્નાવ, ઉત્તર પ્રદેશ) તરીકે થઈ છે. તેની પાસે ઉત્તર પ્રદેશનો હથિયાર પરવાનો હતો, પરંતુ ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતી વખતે સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી અને પોલીસમાં જરૂરી નોંધણી કરાવવામાં આવી ન હતી. આરોપી છેલ્લા બે માસથી ભરૂચમાં એક જ્વેલર્સ ખાતે હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. ગેરકાયદેસર રીતે હથિયાર સાથે ફરજ બજાવવા બદલ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ 1959ની કલમ 20 અને 30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.




