પાનોલી GIDCમાં ચોરીનો ભેદ ઉકેલાયો:બેઈદ ઇન્ડસ્ટ્રીયલમાંથી 1.38 લાખનો ભંગાર ચોરનાર 6 શખ્સ ઝડપાયા
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પાનોલી જીઆઈડીસીમાં આવેલી બેઈદ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ભંગાર ભરેલી પિકઅપ વાન સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રૂ. 1.38 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ગત 5 માર્ચના રોજ સાંજના સમયે કેટલાક અજાણ્યા શખ્સોએ કંપનીમાં પ્રવેશ કર્યો હતો. તેઓએ કંપનીમાંથી લોખંડની એમ.એસ મિક્ષ, 43 જૂના ભંગારના રોલ, 39 પાઈપો અને 3450 કિલો ભંગારની ચોરી કરી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ખરોડ ચોકડી પાસેથી શંકાસ્પદ પિકઅપ વાન અટકાવી તપાસ કરી હતી.
પોલીસે અંસાર માર્કેટ મદીના મસ્જિદ પાસે રહેતા અલ્લાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી, સંતોષકુમાર જગ પ્રસાદ, શેફ શકીલખાન, મુબારક અલી જુલ્ફેકાર અલી ખાન, રંજીતકુમાર અમરનાથ ભારતી અને સુરેશ મંગલ ભારતીની ધરપકડ કરી છે. પૂછપરછમાં મુખ્ય આરોપી અલ્લાઉદ્દીને કબૂલ્યું કે તે ભંગારનો વેપાર કરે છે. તેણે પાનોલી વિસ્તારમાં ફરતા-ફરતા બેઈદ ઇન્ડસ્ટ્રીયલ કંપની બંધ હાલતમાં જોઈ હતી. ત્યારબાદ તેણે પોતાના સાથીઓ સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.