ભરૂચમાં SOGની કાર્યવાહી:મકાન-દુકાન ભાડે આપવામાં જાહેરનામાના ભંગ બદલ 20 માલિકો સામે ગુનો દાખલ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં આગામી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે એસઓજી દ્વારા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી તપાસમાં મકાન અને દુકાન ભાડે આપવામાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 20 માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરના જાહેરનામા અનુસાર, મકાન કે દુકાન ભાડે આપતા માલિકોએ ભાડૂઆતની સંપૂર્ણ માહિતી પોલીસ સ્ટેશનમાં નોંધાવવી ફરજિયાત છે. તપાસમાં જોવા મળ્યું કે અનેક માલિકોએ ભાડા કરાર નોંધણી વગર જ મિલકતો ભાડે આપી હતી.
એસઓજીએ આ માલિકો સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223(બી) હેઠળ ગુના દાખલ કર્યા છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ અસામાજિક તત્વોને શહેરમાં મિલકતો ભાડે મેળવી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા અટકાવવાનો છે. સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો પણ છે. એસઓજી દ્વારા આગામી સમયમાં પણ આવા જાહેરનામા ભંગ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા તહેવારો દરમિયાન સુરક્ષાને લઈને વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.