અંકલેશ્વર NH 48 પરથી શંકાસ્પદ કેમિકલ ટેન્કર ઝડપાયું:રૂ. 23.44 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પરથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલું એક ટેન્કર ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં રૂ. 23.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ટેન્કર ચાલકની ધરપકડ કરવામાં આવી છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે તેમને માહિતી મળી હતી. આ માહિતી મુજબ, નેશનલ હાઇવે પર આવેલી સિલ્વર સેવન હોટલ પાસે એક શંકાસ્પદ ટેન્કર ઊભું હતું અને તેમાંથી સેમ્પલ લઈને વેચાણ કરવાની કવાયત ચાલી રહી હતી.
આ માહિતીના આધારે પોલીસે દરોડા પાડી ટેન્કરને ઝડપી પાડ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ ટેન્કર મહારાષ્ટ્રથી નીકળી સુરતની પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી શિવાંશ કંપનીના કેમિકલ ઇન્વોઇસના નામે હતું. ટેન્કરમાં રહેલું કેમિકલ પ્રાથમિક દ્રષ્ટિએ એસિડિક એસિડ હોવાનું જણાયું હતું.
કેમિકલ વેસ્ટની ખરેખર પ્રકૃતિ જાણવા માટે એલસીબી પોલીસે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ને જાણ કરી હતી. GPCBની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સેમ્પલ લીધા હતા. ઉપરાંત, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) દ્વારા પણ સેમ્પલ લઈને પૃથક્કરણ શરૂ કરવામાં આવ્યું છે.
પોલીસે ઉત્તર પ્રદેશના ટેન્કર ચાલક શૈલેષ લાલ બિહારી યાદવની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે રૂ. 3.44 લાખનો શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો જથ્થો અને ટેન્કર સહિત કુલ રૂ. 23.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
 
				





