પક્ષપલટો કરનાર ધારાસભ્યોને નહીં મળે પેન્શન : હિમાચલ સરકાર

હિમાચલ પ્રદેશમાં પક્ષપલટો કરનાર નેતાઓને લઈને કડક કાયદો બનાવવામાં આવ્યો છે. કોંગ્રેસની સુખવિંદર સિંહ સુક્ખૂ સરકાર દ્વારા બનાવવામાં આવેલા આ કાયદા અનુસાર, જે પણ ધારાસભ્ય પક્ષપલટો કરશે, તેને પેન્શન નહીં મળે. હિમાચલ પ્રદેશ વિધાનસભાએ બુધવારે ‘હિમાચલ પ્રદેશ વિધાનસભા સંશોધન બિલ 2024’ પસાર કર્યું હતું. જે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અયોગ્ય જાહેર ધારાસભ્યો પર લાગુ પડે છે.
બિલમાં કહેવામાં આવ્યું કે, જો કોઈ વ્યક્તિ બંધારણની 10 મી અનુસૂચિ હેઠળ અયોગ્ય જાહેર થાય, તો તે આ અધિનિયમ હેઠળ પેન્શનનો હકદાર નહીં રહે. 10 મી અનુસૂચિ પક્ષપલટા વિરોધી કાયદા વિશે વાત કરે છે.
આ નવા કાયદા પહેલાં પક્ષપલટો કરનાર ધારાસભ્યોને પણ પેન્શન મળતી હતી. આ કાયદો પાર્ટી બદલનારને રોકવા અને રાજકીય નૈતિકતાને પ્રોત્સાહન આપવા માટે લાવવામાં આવ્યો છે. વિપક્ષ આ કાયદાનો વિરોધ કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે, આ કાયદો ધારાસભ્યોના અધિકારોનું હનન કરે છે. જોકે, સત્તાધારી પાર્ટીનું કહેવું છે કે, આ કાયદો રાજનીતિમાં ભ્રષ્ટાચારને ઓછો કરવામાં મદદ કરશે. તેમજ તેનાથી ધારાસભ્યો જનતા પ્રત્યે જવાબદાર રહેશે.
આ પહેલાં છ કોંગ્રેસ ધારાસભ્ય- સુધીર શર્મા, રવિ ઠાકુર, રાજિંદર રાણા, ઈન્દર દત્ત લખનપાલ, ચૈતન્ય શર્મા અને દેવેન્દ્ર કુમાર ફેબ્રુઆરીમાં પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતાં. આ ધારાસભ્યો 2024-25 ના બજેટ અને અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ગૃહમાં હાજર નહતાં. તેઓએ પાર્ટીના નિર્દેશનું પાલન નહતું કર્યું. સુધીર શર્મા અને ઈન્દર દત્ત લખનપાલે બાદમાં પેટાચૂંટણી જીતીને ગૃહમાં વાપસી કરી હતી. જોકે, બાકીના ચાર ધારાસભ્યો ચૂંટણી હારી ગયાં હતાં. આ છ કોંગ્રેસ ધારાસભ્યોએ ફેબ્રુઆરીમાં રાજ્યભાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર હર્ષ મહાજનના પક્ષમાં મતદાન કર્યું હતું.



