ભરૂચના ટંકારીયામાં પ્રતિબંધિત ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો:એકની ધરપકડ, બે વોન્ટેડ જાહેર કરાયા
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં પાલેજ પોલીસે ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડી પ્રતિબંધિત ઇ-સિગારેટનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પાલેજ પીઆઈ કે.આર. વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસે ટંકારીયા ગામના મોટા પાદર ખાતે રહેતા હસન મોહમદ ગોરજીના સ્થળે કાર્યવાહી કરી હતી. હસન મોહમદ ગોરજી જાહેર રસ્તા પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ઇ-સિગારેટ અને તેના ફ્લેવર (રીફીલ)નો ગેરકાયદેસર વેપાર કરતો હતો.
પોલીસે હસન મોહમદ ગોરજીની તલાશી લેતા તેની પાસેથી એક પ્લાસ્ટિકની થેલીમાંથી જુદી જુદી વિદેશી કંપનીની ઇ-સિગારેટ અને ફ્લેવર મળી આવ્યા હતા. પોલીસે કુલ ૨૭ નંગ ઇ-સિગારેટ અને ફ્લેવર સહિત રૂ. ૪૫,૫૦૦/-ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી હસન મોહમદ ગોરજીની ધરપકડ કરી છે. આ કેસમાં તલ્હા નીકી અને સમિર નામના વધુ બે શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.