2 વર્ષ જૂના ચોરીના કેસમાં મોટી સફળતા:અંકલેશ્વર GIDCની ટીમે દાહોદના આરોપીને દહેજથી ઝડપ્યો, મીરાનગરની ચોરીનો ભેદ ઉકેલાયો

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર GIDC પોલીસે બે વર્ષ જૂના ચોરીના કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે દાહોદના લીમખેડા ગામના આરોપી કલ્પેશ બચું પરમારની ધરપકડ કરી છે. આ આરોપી છેલ્લા બે વર્ષથી પોલીસથી નાસતો ફરતો હતો.
વર્ષ 2023માં અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા બંસીઘર એપાર્ટમેન્ટ નજીક નાલંદા સ્કૂલ પાસે મીરાનગરમાં ચોરીની ઘટના બની હતી. GIDC પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન, દહેજ પોલીસે જોલવા ગામની ચોરીના કેસમાં કલ્પેશ પરમારની ધરપકડ કરી હતી.
પૂછપરછ દરમિયાન આરોપીએ અંકલેશ્વર GIDC વિસ્તારમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ માહિતી મળતાં જ દહેજ પોલીસે GIDC પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ GIDC પોલીસે ટ્રાન્સફર વોરંટ દ્વારા આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે આરોપી પાસેથી વધુ ચોરીઓ અંગેની માહિતી મેળવવાની કોશિશ કરી રહી છે.



