ચીફ જસ્ટિસે ભરૂચ-સુરત હાઈવેની દુર્દશાની સ્થિતિ વર્ણવી:’જો જજ તરીકે આ સમસ્યાનો ભોગ બનતા હોઈએ તો સામાન્ય નાગરિકોએ કેટલું વેઠવું પડતું હશે?’
સમીર પટેલ , ભરૂચ
હાઇવે પર ઉઘરાવવામાં આવતાં ટોલના મામલે થયેલી અરજીની સુનાવણીમાં ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ ડી.એન. રેની બેંચે ભરૂચ-સુરત અને સુરત દહિસર હાઇવેની દુર્દશાની ગંભીર નોંધ લીધી હતી. હાઇકોર્ટે હાઇવેના ખસ્તા હાલ મુદ્દે NHAIની ટીકા કરી હતી અને ટકોર કરી હતી કે, આ હાઇવે પરની દુર્દશા તેઓએ પોતાની નજરે જોઇ છે. હાઇવેનો આ પટ્ટો ખાડા-ખરબચડાથી ભરેલો છે. જેના કારણે વાહનો આગળ વધી શકતા નથી અને ભયંકર ટ્રાફિક જામ થાય છે. અહીંનો એક બ્રિજ ક્રોસ કરવામાં લોકોના કલાકો વેડફાઇ જાય છે. આ પરિસ્થિતિ દયનીય છે. જો જજ તરીકે આ વિકરાળ સમસ્યાનો ભોગ બન્યા હોઇએ તો સામાન્ય નાગરિકોને તો કેટલું વેઠવું પડતું હશે! હાઇકોર્ટે આ તમામ મુદ્દે NHAIને જવાબ આપવા આદેશ કરી કેસની સુનાવણી 2 અઠવાડિયા બાદ રાખી છે.
ચીફ જસ્ટિસની બેંચે સુનાવણી બાદ આદેશમાં નોંધ્યું હતું કે, કાયદા મુજબ આ વિસ્તારના ટોલ પ્લાઝામાં હાઇવે ઓથોરિટી ટોલ લઇ શકે નહીં. કન્સેશન એગ્રિમેન્ટ આ રૂટ્સના પૂર્ણ થઇ ગયા છે. તેથી આ એગ્રિમેન્ટ પૂર્ણ થયા બાદ 40 ટકાથી વધુ ટોલ ઉઘરાવી શકે નહીં. અરજદારો વતી ઉપસ્થિત એડવોકેટે જણાવ્યું હતું કે કન્સેશન એગ્રિમેન્ટ પૂર્ણ થઇ ગયા બાદ ઓથોરિટી આ રીતે ટોલ ઉઘરાવી શકે નહીં. કેન્દ્ર સરકારે રૂલ્સમાં સંશોધન કર્યા છે, પરંતુ 2024 સુધી ટોલના રેટ નક્કી કરવામાં આવ્યા નહોતા. તેથી ઓલ્ડ રેટ મુજબ NHAI ટોલ વસૂલી શકે નહીં. તેથી વર્ષ 2022થી 2024 સુધીમાં જે વધારાનો ટોલ ઉઘરાવવામાં આવ્યો છે, તે રિફંડ કરવાની દાદ માંગવામાં આવી છે.
હાઇકોર્ટે વધુમાં નોંધ્યું હતું કે, ભરૂચ-સુરત અને સુરત-દહિસર હાઇવેની પરિસ્થિતિ અત્યંત જર્જરીત અને બિસ્માર છે. ચાર મહિનાથી તો અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. સ્ટ્રીટ લાઇટ્સ ચાલતી નથી. રોડની પરિસ્થિતિ એટલી બદતર છે કે વાહનચાલકોના જીવને જોખમ ઊભું થયું છે. રોડ પર મોટામોટા ખાડા છે. આવા બિસ્માર રોડ માટે ઓથોરિટી ટોલ લઈ શકે નહીં. રોડની ખરાબ હાલતના લીધે ભારે ટ્રાફિકની સમસ્યા અહીં હંમેશાં રહે છે. જેના લીધે ઉપયોગ કર્તાઓને ભારે નુકસાન વેઠવું પડે છે.
કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટકોર કરી હતી કે, આ વિસ્તારના હાઇવેની હાલત અત્યંત ખરાબ છે અને કંઇક નક્કર કાર્યવાહી તો કરવી જ પડશે. NHAIની દલીલ હતી કે અંકલેશ્વ ખાતેના GIDCના લીધે અનેક ટ્રક અને ટેન્કર્સ હાઇવેના સર્વિસ રોડ પર પાર્ક થયેલા હોય છે. જેના પરિણામે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ત્યારે કોર્ટે કહ્યું હતું કે આવી દલીલ ચલાવી લેવાય નહીં. NHAI હાઇવેના ઓપરેશન્સ માટે ટોલ વસૂલો છે તો તમામ વહીવટ કરવો પડે. જો તમે ટ્રાફિક માટે જવાબદારો સામે પગલાં ન લઇ શકતા હોવ કોર્ટ આદેશ કરશે.