BHARUCH

વાગરા: સલાદરા ગામે તળાવમાંથી આશાસ્પદ યુવકની લાશ મળી આવી, પોલીસે વધુ તપાસ હાથ ધરી

સલાદરા ગામના તળાવમાંથી આશાસ્પદ યુવકની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ પાણીમાં તરતી લાશને બહાર કાઢી વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી હતી. જોકે મૃતકના પિતાને પોતાનના સંતાનના મોત પાછળ અન્ય કારણ હોવાની શંકાએ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.

વાગરા તાલુકાના સલાદરા ગામે રહેતો અનિલ અરવિંદભાઈ વસાવા ગતરોજ સાંજના આઠેક વાગ્યે ઘરે જમીને ગામના ભાથીજી મહારાજના મંદીરે ગણપતીદાદાનો મંડપ બાંધતો હોય ત્યાં ગયો હતો અને રાત્રીના આશરે અગિયારેક વાગ્યા સુધી અનિલ ઘરે નહી આવતા અનિલના પિતાએ અનિલના મોબાઈલ પર ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો જેથી તેના પિતા ભાથીજી મહારાજના મંદીરે તપાસ કરવા ગયા હતા અને ત્યાં જઈને અનિલના મિત્રો કમલેશ વસાવા અને જતીન વસાવાનાઓને અનિલ બાબતે પૂછતાં તેઓએ જણાવેલ કે અનિલ રાત્રીના દશેક વાગ્યે ઘરે જવા અહિંથી નીકળી ગયો હતો. તેવું જણાવતા અનિલના પિતાએ ગામમાં તથા સિમમા તપાસ કરી હતી પરંતુ તેની કોઈ ભાળ નહી મળતા બીજા દિવસે અનિલના પિતાએ તમામ સગા સબંધીઓને ફોન કરીને અનિલ બાબતે પૂછ-પરછ કરી હતી પરંતુ અનિલની કોઇ ભાળ નહીં મળતા અનિલના પિતાએ અનિલના ગુમ થવા બાબતે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખવવા માટે વાગરા આવેલ હતા. તે દરમ્યાન બપોરના આશરે સવા એક વાગ્યે ગામના દશરથભાઇ જગદીશભાઇ વસાવાનો અનિલના પિતાની ઉપર ફોન આવેલો જણાવેલ કે, આપણા ગામના તળાવમાં કોઇ છોકરાની લાશ તરે છે. તેમ જણાવતા અનિલના પિતાએ વાગરા પોલીસને આ બાબતની જાણ કરી તુરત જ સલાદરા ગામના તળાવ ઉપર ગયા હતા જ્યાં સલાદરા ગામના વિજયભાઇ વસાવા તથા દશરથભાઇ વસાવા તથા સંજયભાઇ વસાવા તથા અશોકભાઇ ઠાકોર વિગેરે માણસો ત્યાં હાજર હતા. અને વાગરા પોલીસના માણસો ત્યાં આવી જતા તળાવમાંથી લાશ બહાર કાઢી જોતા આ લાશ અનિલની હોવાનું જણાયું હતું. આ લાશ પાણીમાં રહેવાના કારણે ફુલી ગયેલી હતી. અને ચહેરો પણ ફુલી ગયેલ હતો. અને બન્ને આંખો ઉપર ફોલ્લા પડી ગયેલ હતા. અને મોઢામાંથી લોહી નીકળેલ હતુ. અને શરીરે કોઇ ઇજાના નિશાનો હતા નહિ. જેથી અનિલની લાશને પી.એમ.અર્થે વાગરા સરકારી દવાખાના ખાતે લાવી પી.એમ.રૂમમાં રાખવામાં આવેલ હતી.

સદર બનાવ બાબતે મૃતક યુવક અનિલના પિતા પોતામાં પુત્રનું મોત કોઈ અગમ્ય કારણોસર તળાવમાં ડૂબી જવાથી થયું છે. ? કે અન્ય કોઈ કારણથી થયું છે તે બાબતની કાયદેસરની તપાસ કરવા માટે વાગરા પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. હાલ તો પોલીસે ઘટના બાબતે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

સમીર પટેલ, ભરુચ

Back to top button
error: Content is protected !!