BHARUCHBHARUCH CITY / TALUKO
ભરૂચના રહાડપોર શોપિંગ સેન્ટરમાં મોટી આગ:નમકીનની દુકાનથી શરૂ થયેલી આગે 4 દુકાનોને લપેટમાં લીધી, ફાયર બ્રિગેડની ટીમે કાબૂમાં લીધી


સમીર પટેલ, ભરૂચ
ભરૂચના રહાડપોર ગામમાં આવેલા પ્લેટેનિયમ શોપિંગ સેન્ટરમાં આજે સવારે મોટી આગ લાગવાની ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, આગની શરૂઆત એક નમકીનની એજન્સીમાંથી થઈ હતી, જે ધીમે ધીમે આજુબાજુની ત્રણ અન્ય દુકાનો સુધી ફેલાઈ ગઈ હતી.
આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા અને જીએનએફસી કંપનીના મળીને કુલ ચાર ફાયર ફાઇટર્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે સખત જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગની આ ઘટનામાં ચારેય દુકાનોમાં રહેલો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો, જેના કારણે દુકાનધારકોને મોટું આર્થિક નુકસાન થયું છે.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.




