સગા બાપે 12 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી: અંકલેશ્વરની હોસ્પિટલમાં લઈ જતાં સગીરા દોઢ માસની ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ, આરોપીને પોલીસે દબોચ્યો



સમીર પટેલ, ભરૂચ
ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં રોજગારી મેળવવા આવેલા એક પરિવારના 35 વર્ષના પિતાએ પોતાની જ 12 વર્ષની સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અત્યાચારના કારણે સગીરા દોઢ માસની ગર્ભવતી બની ગઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે ગંભીરતા દાખવી ગણતરીના કલાકોમાં નરાધમ પિતાની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો છે.
ભાડાના મકાનમાં દાનત બગાડી
મળતી માહિતી મુજબ, અંકલેશ્વર વિસ્તારમાં આ શ્રમિક પરિવાર ભાડાના મકાનમાં રહીને ગુજરાન ચલાવતો હતો. આ દરમિયાન પિતાની દાનત બગડતા તેણે પોતાની જ સગીર વયની દીકરીને હવસનો શિકાર બનાવી હતી અને આ વિશે કોઈને ન કહેવા ધમકી આપી હતી.
બાળકીએ પિતાના કાળા કરતૂતો કહ્યાં
તાજેતરમાં બાળકીને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબી તપાસ દરમિયાન બાળકી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આ સાંભળી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. બાળકીની પૂછપરછ કરતા તેણે પિતા દ્વારા જ ઘરમાં આચરવામાં આવેલા કાળા કરતૂતોની આપવીતી જણાવી હતી.
પોક્સો અને દુષ્કર્મનો ગુનો દાખલ
ઘટનાની જાણ થતા અંકલેશ્વર GIDC પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી પિતા વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો (POCSO) સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ભોગ બનનાર સગીરા હાલ ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સગીરાએ બાળકીને જન્મ આપ્યો, આરોપીને દબોચ્યો
અંકલેશ્વર શહેરમાં 16 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનાર 33 વર્ષીય પરણિત યુવાન શંકર વસાવાની 28 માર્ચે પોલીસે ધરપકડ કરી છે. સગીરાએ એક બાળકીને જન્મ પણ આપ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેર વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા સાથે આરોપી શંકર વસાવાએ વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. આ કૃત્યના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી. ગર્ભાવસ્થાની જાણ થયા બાદ, સગીરાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સગીરાની ફરિયાદના આધારે આરોપી શંકર વસાવા વિરુદ્ધ પોક્સો અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપી તપાસ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.




