જંબુસરના કાવી ગામના યુવકનું કરુણ મોત: પત્નીને ભરૂચ મૂકી પરત ફરતા દેરોલ પાસે કન્ટેનર સાથે બાઇક અથડાઈ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ તાલુકાના દેરોલ અને દયાદરા વચ્ચે ગઈકાલે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં જંબુસર તાલુકાના કાવી ગામના યુવકનું કરુણ મોત નીપજ્યું હતું.
હનીફ મયુદ્દીન દિવાન નામના યુવકે પોતાની પત્નીને ભરૂચ મૂકવા ગયા બાદ રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ પોતાના ગામ કાવી પરત ફરી રહ્યા હતા. તે સમયે દેરોલ અને દયાદરા વચ્ચેના માર્ગ પર તેમની મોટરસાઇકલ અને એક કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે રોડ પર પટકાવાને કારણે હનીફને શરીરે ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતની જાણ થતાં તાત્કાલિક ભરૂચ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટના અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે. અકસ્માતના સમાચાર ફેલાતાં ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં એકત્ર થઈ ગયાં હતાં.



