
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
ભૌતિક સુખ-સુવિધાઓ અને સાંસારિક મોહમાયા વચ્ચે એક યુવાન આત્માએ વૈરાગ્યનો માર્ગ પસંદ કરીને સમગ્ર પંથકને ધર્મમય કરી દીધું છે!
ભરૂચ જિલ્લાના નેત્રંગમાં રહેતા અને પ્રજાપતિ સમાજનું ગૌરવ એવા ૨૪ વર્ષના યુવાન, અંકીત વસંતભાઈ પ્રજાપતિએ જૈન ધર્મના ઉચ્ચ આદર્શો અને સંયમ જીવનની પ્રેરણાથી દીક્ષા લેવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે.
ત્યાગની ગાથા: ખારીસીંગ-ચણાનો વેપાર છોડીને આત્મકલ્યાણ તરફ ખારીસીંગ અને ચણાના પારંપારિક વેપાર સાથે જોડાયેલા પિતા વસંતભાઈ ખીમજીભાઈ પ્રજાપતિના પુત્ર અંકીતને જૈનધર્મ પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસના ભાવે સંયમ જીવનના માર્ગે વાળ્યો છે. તા. ૧૩ નવેમ્બરના રોજ મુંબઈ ખાતે જુહુ સ્કીમમાં, તેઓ રાજપ્રતિબોધક, પદ્મભૂષણ વિભૂષિત શ્રીમદ્ આચાર્ય વિજયરત્નસુંદર મહારાજ સાહેબના પવિત્ર હસ્તે દીક્ષા ગ્રહણ કરશે.
અભૂતપૂર્વ વિદાય: વરસીદાન વરઘોડાનું ભવ્ય આકર્ષણ
મુમુક્ષુ અંકીતકુમારના દીક્ષા ગ્રહણ પૂર્વે, નેત્રંગ જૈન સંઘ દ્વારા એક ભવ્ય વરસીદાન વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણે સંસારનો ત્યાગ કરવા જઈ રહેલા આ વીર યુવાનની અંતિમ સવારી ન નીકળી હોય! આ વરઘોડો નેત્રંગના ગાંધીબજાર, જવાહરબજાર, ચારરસ્તા અને લાલમંટોડી સહિતના તમામ મુખ્ય વિસ્તારોમાં ફરી વળ્યો હતો અને સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
સમગ્ર જૈન સમાજ અને નેત્રંગના ગ્રામજનો મોટી સંખ્યામાં આ અલૌકિક વિદાય સમારંભમાં જોડાયા હતા. જીનબજાર વિસ્તારમાં આવેલ જૈન દેરાસર ખાતે દીક્ષાર્થી મુમુક્ષુ અંકીતકુમારનો વિદાય સમારંભ યોજાયો, જ્યાં તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
આ યુવાન પગલું સાબિત કરે છે કે આધ્યાત્મિકતાની શક્તિ અને વૈરાગ્યનો ધ્યેય જ સર્વોચ્ચ છે, જેના થકી અંકીતકુમાર હવે સંસાર ત્યાગીને સાધુતાના પવિત્ર માર્ગે અગ્રેસર થશે.



