BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચમાં ચોરીનો ભેદ ઉકેલાયો, બે ઝડપાયા: ઓસારા મહાકાળી મંદિર પાસેથી બાઇક-મોબાઇલ ચોરી કરનાર સાળા-બનેવી પકડાયા

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચ તાલુકાના ઓસારા ગામે મહાકાળી મંદિર સામે આવેલા પડાવમાંથી ચાર દિવસ અગાઉ થયેલી બાઇક, મોબાઇલ અને રોકડ રકમની ચોરીનો ભેદ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. પોલીસે મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ભરૂચ એલ.સી.બી. પી.આઈ. એમ.પી. વાળાની સૂચના મુજબ, પીએસઆઈ વી.પી. મલ્હોત્રાની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે, ટીમે હલદરવા ગામના પાદર વિસ્તારમાંથી નંબર પ્લેટ વગરની હીરો કંપનીની મોટરસાયકલ સાથે ભાયા ઉર્ફે રણજીત હિમ્મત મેડા અને નીહાલસિંગ હારુ મચ્છાર નામના બે શંકાસ્પદ ઇસમોને પકડ્યા હતા. તપાસ દરમિયાન, બાઇક અંગે આધાર પુરાવા રજૂ ન કરી શકતા, બંનેને નબીપુર પોલીસ સ્ટેશન લઈ જઈ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં આરોપીઓએ ઓસારા મહાકાળી મંદિર સામે કેનાલ પાસે આવેલા પડાવમાંથી બાઇક, બે મોબાઇલ અને રોકડ રકમની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ ઉપરાંત, આરોપીઓએ હલદરવા નજીક સાઈ ગાર્ડન સોસાયટી અને કેમાતુર કંપની પાસેના પડાવમાંથી પણ મોબાઇલ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની બાઇક, મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂ. 64,670 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બંને વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે નબીપુર પોલીસને સોંપવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!