ગુજરાતની પાસપોર્ટ કચેરીઓને RDXથી ઉડાવવાની ધમકી: ભરૂચ હેડ પોસ્ટ ઓફિસમાં ખળભળાટ, બોમ્બ સ્ક્વોડની તપાસ



સમીર પટેલ, ભરૂચ
સમગ્ર ગુજરાતની પાસપોર્ટ કચેરીઓને RDXથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા સુરક્ષા તંત્ર સક્રિય બન્યું છે. ભરૂચ શહેરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે આવેલી પાસપોર્ટ કચેરીને પણ સમાન ઈ-મેઈલ મળતા ખળભળાટ મચી ગયો હતો.
ધમકીભર્યો ઈ-મેઈલ હેડ પોસ્ટ ઓફિસના સુપરિન્ટેન્ડન્ટના અધિકૃત ઈ-મેઈલ આઈડી પર પ્રાપ્ત થયો હતો. આ ઈ-મેઈલ મળતા જ કચેરીમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી. તાત્કાલિક સુરક્ષાના પગલાં રૂપે કચેરી ખાલી કરાવી તમામ કર્મચારીઓ અને હાજર અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ બી-ડિવિઝન પોલીસ, SOG અને અન્ય પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમે કચેરી તેમજ આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી.
આ સમગ્ર પ્રકરણમાં ધમકીભર્યો ઈ-મેઈલ કોણે અને કયા સ્થળેથી મોકલ્યો તેની દિશામાં સાયબર ક્રાઈમ શાખાએ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી અને કોર્ટ કચેરીને ધમકી મળવાના બનાવો સામે આવ્યા હતા. હાલની ઘટનાના કારણે પાસપોર્ટ માટે પૂર્વનિયોજિત એપોઇન્ટમેન્ટ ધરાવતા વિવિધ જિલ્લાઓમાંથી આવેલા અરજદારોને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો, ખાસ કરીને શનિવાર અને રવિવારની રજાઓને કારણે પોલીસ તંત્ર દ્વારા સઘન તપાસ ચાલુ રાખવામાં આવી છે અને પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.




