BHARUCHGUJARAT

3 ગામના 300થી વધારે ખેડૂતોને સિંચાઇનું પાણી મળશે, સ્થાનિકોની રજૂઆત રંગ લાવી

સમીર પટેલ, ભરૂચ

8 કિમી લાંબી કેનાલમાં સફાઇ તથા લીકેજની સમસ્યાનું નિવારણ લાવવામાં આવ્યું

જંબુસર તાલુકાના મોટાભાગના ખેડૂતો ખેતી માટે કેનાલ પર નિર્ભર છે પણ કેનાલોના ખસ્તાહાલ હોવાથી તેમને પાણી મળી રહેતું નથી. ઉમરા ગામની માઇનોર કેનાલની સફાઇ અને જાળવણીના અભાવે પાણી આવતું ન હતું. સ્થાનિકોની વારંવારની રજૂઆત બાદ આખરે 20 વર્ષ બાદ કેનાલમાં પાણી આવતાં ખેડૂતોએ નીરના વધામણા કર્યા હતાં. કેનાલમાં 7 કયુસેક પાણી હાલ છોડવામાં આવ્યું છે જેનાથી ઉમરા, ગોટુ અને નોબાર સહિતના ગામોના 300થી વધારે ખેડૂતોને સિંચાઇના પાણીની સુવિધા મળી રહેશે. જંબુસર તાલુકાના ઉમરા ગામે છેલ્લા 20 વર્ષથી નર્મદા કેનાલમાં પાણી નહી આવતા ખેડૂતોએ ખેતીની સિંચાઈ માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને વરસાદી પાણીથી ખેતી કરતા ઉમરા ટેલ માઇનોર કેનાલ તો બનાવેલી હતી પરંતુ સફાઇના અભાવે કેનાલ ખંડેર બની ચુકી હતી. આ બાબતે ગ્રામજનો તરફથી વારંવાર રજુઆત કરવામાં આવી હતી. નર્મદા નિગમના અધિકારીઓ ફક્ત આશ્વાસન આપતા પરંતુ કોઈ કાર્યવાહી થતી ન હતી. ગામના સરપંચ એસી મોરચા ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ જયેશ પરમાર તથા કલ્પેશ ઠાકોર તેમજ ગામના ખેડૂતોએ ધારાસભ્ય ડી.કે.સ્વામીને રજૂઆત કરી હતી. તેમણે અધિકારીઓનું ધ્યાન દોરતા કેનાલની સફાઇ કરવામાં આવી હતી અને 7 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. 20 વર્ષ બાદ કેનાલમાં પાણી આવતાં નવા નીરના વધામણા લેવામાં આવ્યાં હતાં. 8 કિમી લંબાઇ ધરાવતી કેનાલમાં પાણી આવતાં 300થી વધારે ખેડૂતોને ફાયદો થશે. નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેર તથા તેમની ટીમે કેનાલની સફાઇ કરાવી હતી તથા ગાબડાઓ પુરાવ્યાં હતાં. નહેરમાં પાણી આવતા ખેડૂતો શિયાળુ પાક જેવા કે ઘઉં, બાજરી ચણા મગ મઠિયા જેવા પાકની ખેતી કરવામાં સરળતા રહેશે. જંબુસર તાલુકામાં કેનાલોના ઠેકાણા નથી જંબુસર તાલુકાના અનેક ગામડાઓ સુધી હજી કેનાલના પાણી પહોંચી શકયાં નથી. જયાં પાણી પહોંચે છે ત્યાં કેનાલમાં છાશવારે ગાબડા પડી જવાથી પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતાં હોવાથી ખેડૂતોને ફાયદા કરતાં નુકસાન વધારે થઇ રહયું છે. કેનાલોના રીપેરિંગ પાછળ દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ કામગીરી બરાબર થઇ છે કે નહિ તે જોવાની તસદી લેવામાં આવતી ન હોવાની ફરિયાદ ખેડૂતોએ કરી હતી.

Back to top button
error: Content is protected !!