અંકલેશ્વર NH 48 પર ત્રણ વાહન વચ્ચે ભીષણ અકસ્માત:વાલિયા ચોકડી નજીક ટ્રેલર ચાલક ફસાયો, ફાયર વિભાગે બચાવ્યો


સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર વાલિયા ચોકડી નજીક ત્રણ વાહનો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રેલરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ બચાવી સારવાર માટે ખસેડ્યો હતો.
આ ઘટના વાલિયા ચોકડી બ્રિજ પર બની હતી, જ્યાં એક ટ્રેલર ટ્રક, ડમ્પર હાઈવા અને આઇશર ટેમ્પો એકબીજા સાથે અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેલરનો ચાલક તેની કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો.
અકસ્માત બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે, ચાલકને બહાર કાઢવામાં મુશ્કેલી પડતા ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ કેબિનના ભાગો હટાવી ફસાયેલા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આ ટ્રીપલ અકસ્માતના કારણે નેશનલ હાઇવે પર સુરત તરફ જતા માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
 
				





