BHARUCH

સુરતના પર્યટન વિકાસ માટે “ટ્રાવેલ એજન્ટ અને ટૂરિઝમ ગાઈડ ટ્રેનિંગ પ્રોગ્રામ” સફળતાપૂર્વક યોજાયો

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

 

આત્મનિર્ભર ભારત અને સ્થાનિક રોજગાર માટે પર્યટન ક્ષેત્રનું યોગદાન સતત વધી રહ્યું છે. ખાસ કરીને સુરત જેવી શહેરોની અર્થવ્યવસ્થામાં ટૂરિઝમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, આવા ઉદ્દેશ સાથે ખડાયતા ભુવન અને એસ.વી.વી.પી.ના સંયુક્ત ઉપક્રમે, સુરત કલેકટર કચેરી તથા ટુરિઝમ વોરિયર્સ એસોસિએશનના સહકારથી, “ટ્રાવેલ એજન્ટ અને ટૂરિઝમ ગાઈડ ટ્રેનિંગ પ્રોગ્રામ”નું આયોજન સુરત શહેરના અડાજણ સ્થિત SVVP ઓફિસ ખાતે કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમમાં લગભગ ૧૫ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમમાં હોટેલ, ટ્રેન, ફ્લાઇટ બુકિંગ અને રોડ ટ્રાન્સપોર્ટ જેવી કામગીરીની સમજ આપવામાં આવી. સાથે સાથે ભારતનું ભૂગોળ જ્ઞાન તથા ટુર પેકેજ કેવી રીતે તૈયાર થાય તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

સુરતના ઐતિહાસિક અને આધ્યાત્મિક મૂલ્યો અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટ્રેનિંગના ભાગરુપ અને તેના અંતિમ તબક્કે, સુરત કિલ્લો, SMC બિલ્ડિંગ, ખુદાવંદખાનનો મકબરો, બ્રિટિશ સીમેટ્રી અને ગોપીતળાવ જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાતે જઈ તેની ઐતિહાસિક માહિતી તાલીમાર્થીઓને આપી હતી.

 

તાલીમ શિક્ષક વિનેશ શાહે જણાવ્યું કે, સુરત પાસે પર્યટન ક્ષેત્રે વિક્સિત કરવાની અપાર શક્યતાઓ છે, પરંતુ તે માટે સૌ પ્રથમ સુરતીઓને પોતાનું શહેર ઓળખવું જરૂરી છે. તેમણે ઉમેર્યું કે જો પ્રશાસનના સહયોગથી અને યોગ્ય પ્રચાર સાથે પગલાં લેવામાં આવે તો સુરતના ઐતિહાસિક સ્થળો પર રોજ હજારો પ્રવાસીઓ આકર્ષાઈ શકે છે.

 

આ સફળ કાર્યક્રમ પાછળ SVVP પ્રમુખ દક્ષેશભાઈ શાહ, ખડાયતા ભુવનના પ્રમુખ દિપકભાઈ શાહ તેમજ સભ્યો રાજેશભાઈ શાહ અને કેતનભાઈ શાહનો મહત્વનો ફાળો રહ્યો.

 

ઐતિહાસિક સ્થળોની મુલાકાત ને અંતે સંપુર્ણ કોર્ષની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું અને શ્રેષ્ઠ ત્રણ તાલીમાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!