સુરત વરાછા વિસ્તારના બે બાળકો તેમના દાદા અને સ્કેટિંગ કોચને પ્રાઉડ કરાવવા માટે સુરતથી અંબાજી એટલે 480 કીમોમીટર સુધી સ્કેટિંગ કરી જવા નીકળ્યા


સમીર પટેલ, ભરૂચ
સુરત વરાછા વિસ્તારના બે બાળકો તેમના દાદા અને સ્કેટિંગ કોચને પ્રાઉડ કરાવવા માટે સુરતથી અંબાજી એટલે 480 કીમોમીટર સુધી સ્કેટિંગ કરી જવા નીકળ્યા છે.બંને ભાઈઓ આજે સુરતથી 75 કિમી અંતર કાપીને ભરૂચ આવી પહોંચ્યા હતા.
સુરતના પટેલ પરિવારના પાશ્વ પટેલ (ઉંમર 10 વર્ષ) અને તેના પિતરાઈ ભાઈ પંથ પટેલ (ઉંમર 9 વર્ષ) છેલ્લા બે વર્ષથી નિયમિત સ્કેટિંગની તાલીમ લઈ રહ્યા છે. પરિવારના સભ્યો સાથે દાદા હિતેશ હીરાભાઈ પટેલ અવારનવાર અંબાજી માતાજીના દર્શન કરવા જતા હોવાથી, બંને બાળકોએ સ્કેટિંગ કરીને અંબાજી પહોંચવાની અનોખી યાત્રાનો વિચાર રજૂ કર્યો હતો. બાળકોનો જુસ્સો અને આત્મવિશ્વાસ જોઈ પરિવારજનોએ તરત જ સહમતિ આપી જરૂરી તૈયારીઓ કરી હતી.
આજે સવારના 7 વાગ્યાથી બંને ભાઈઓ સુરતથી સ્કેટિંગ કરીને અંબાજી તરફ રવાના થયા હતા. તેમની સાથે ત્રણ વાહનોમાં દાદા સહિત પરિવારના કુલ 8 સભ્યો ઉત્સાહવર્ધન અને સુરક્ષા માટે જોડાયા છે. પ્રથમ જ દિવસે બંને બાળકોએ 75 કિલોમીટરનું અંતર પાર કરી ભરૂચ પહોંચીને સૌને ચકિત કરી દીધા છે.
480 કિલોમીટરની આ લાંબી યાત્રા દરમિયાન બંને ભાઈઓ પોતાની લગન, શિસ્ત અને અડગ મનોબળથી આગળ વધી રહ્યા છે.અંબાજી પહોંચીને માતાજીને ધ્વજા અર્પણ કરી પોતાની સ્કેટિંગ યાત્રાને પૂર્ણ કરવાનો તેમનો નિશ્ચય છે.




