વાગરા: LCBએ એક મહિના જૂની કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો, ૨૬,૮૦૦ ના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચએ વાગરા તાલુકાના વીલાયત ગામની સીમમાં એક મહિના પહેલા થયેલ કેબલ ચોરીનો ગુનો શોધી કાઢી ચોરીનો મુદ્દામાલ અને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચનાના આધારે LCBએ આ કામગીરી કરી હતી. પોલીસ ઇન્સ્પેકટર એમ.પી વાળાના માર્ગદર્શન હેઠળ LCBની ટીમોએ માનવ સ્રોત તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને સી.સી.ટીવી એનાલિસિસ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.એ તુવરની ટીમને વાગરામાં હનુમાન મંદિર ચોક પાસે ત્રણ શંકાસ્પદ ઇસમોની હાજરી અંગે બાતમી મળી હતી. ટીમે વોચ ગોઠવીને ત્રણેય શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં બળેલા કોપરના વાયરો મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેઓ વાયરો અંગે કોઈ બિલ કે પુરાવા રજૂ કરી શક્યા ન હોતા.
સઘન પૂછપરછ કરતા ત્રણેય આરોપીઓએ ચોરીની કબૂલાત કરી હતી. કે તેઓએ એકાદ મહિના પહેલા વિલાયત ગામની સીમમાં સોલાર પાવર પ્લાન્ટમાંથી કોપર વાયરોની ચોરી કરી હતી. આરોપીઓએ વાયરોના પ્લાસ્ટિકના ભાગને બાળી નાખી તેને આછોદ ગામના ભંગારના વેપારી આતીફ સેક્રેટરીને વેચવાની વાત કરી હતી. પોલીસે કુલ ૨૮ કિલોગ્રામના કોપર વાયરો જપ્ત કર્યા છે. જેની કિંમત ૧૬,૮૦૦ છે. આ ઉપરાંત, આરોપીઓ પાસેથી ૧૦,૦૦૦ ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં પકડાયેલા આરોપીઓની ઓળખ નીકુલ જીતુભાઇ રાઠોડ અને અજય અશોકભાઇ રાઠોડ (બંને રહે. નવી નગરી, ભેરસમ ગામ, તા. વાગરા), અને આતીફ યુસુફ સેક્રેટરી (રહે. ઇદગાહ રોડ, આછોદ ગામ, તા. આમોદ) તરીકે થઈ છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ૨૦૨૩ ની કલમો હેઠળ કાર્યવાહી કરીને તેમને વાગરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.



