દહેજ મારામારી કેસનો વોન્ટેડ આરોપી પકડાયો:સાડા ત્રણ વર્ષથી નાસતો ફરતો ઇન્દોરથી ઝડપાયો

સમીર પટેલ, ભરૂચ
દહેજ પોલીસ સ્ટેશનના વર્ષ 2022ના મારામારીના ગુનામાં સાડા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી અખીલેશ ગંગારામ દિવાકર (ઉ.વ. 38) ને ભરૂચ એલ.સી.બી.એ ઇન્દોર (મધ્યપ્રદેશ)માંથી ઝડપી પાડ્યો છે. તેને દહેજ પોલીસને સોંપવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના એસપી અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓ વિરુદ્ધ ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત, એલ.સી.બી. પીઆઈ એમ.પી. વાળાની દિશા હેઠળ પીએસઆઈ ડી.એ. તુવરની ટીમે કાર્યવાહી કરી હતી.
ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને આરોપી ઇન્દોરમાં હોવાની માહિતી મેળવી હતી. ત્યારબાદ, ટીમે ન્યુ શિયાગંજ વિસ્તારમાં વોચ ગોઠવીને આરોપી અખીલેશ દિવાકરને ઝડપી પાડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. તેના વિરુદ્ધ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને તેને દહેજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.



