ભરૂચના નવા એસપી અક્ષય રાજ મકવાણા:બનાસકાંઠાથી બદલી થયા બાદ શુક્રવારે પદભાર સંભાળ્યો, ગાર્ડ ઓફ ઓનર અપાયું


સમીર પટેલ, ભરૂચ
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી 105 આઇપીએસ અધિકારીઓની બદલીના ભાગરૂપે અક્ષય રાજ મકવાણાએ ભરૂચના નવા જિલ્લા પોલીસ વડા તરીકે પદભાર સંભાળ્યો છે. શુક્રવારે સાંજે ભરૂચ જિલ્લા પોલીસ મુખ્યાલય ખાતે તેમણે વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો. આ પ્રસંગે જિલ્લા કચેરીના તમામ પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. નવા એસપીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે તેમની કેબિનમાં માતાજીની પૂજા અર્ચના કરી હતી. અક્ષય રાજ મકવાણા અગાઉ બનાસકાંઠા જિલ્લાના પોલીસ પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કાયદો અને વ્યવસ્થાની કડક અમલવારી કરી હતી. ડ્રગ્સ વિરોધી અભિયાન અને સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં તેમણે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. લોકસંપર્કમાં સક્રિય રહીને તેમણે પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધારવામાં નોંધપાત્ર સફળતા મેળવી હતી. હવે ભરૂચ જિલ્લામાં પણ તેમની પાસે કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.



