
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ISROના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત અને વૈજ્ઞાનિકોની કાર્યપદ્ધતિ, અવકાશીય ટેક્નોલોજી વિષે જાણવાની તક મળી*
નવસારી,તા.૧૮: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના ધોરણ ૮ ના વિદ્યાર્થી ભવ્ય રોહિતભાઈ પટેલની ઈસરોમાં પ્રોજેકટ ગ્રીન કોલ અંતર્ગત અવકાશ સંશોધન, વૈજ્ઞાનિકોની કાર્યપદ્ધતિ અને અવકાશ સંશોધનના વિવિધ પાસાઓને આવરી લેતા ૧૦ દિવસીય વૈજ્ઞાનિક તાલીમ કાર્યક્રમ માટે પસંદગી થઈ છે. હાલ ભવ્ય ૧૫ નવે.થી શરૂ થયેલા અને ૨૩ નવે.સુધી ચાલનાર તાલીમ કેમ્પમાં અમદાવાદના SAC-ISRO કેમ્પસમાં નવસારી જિલ્લાનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ટેક્નોલોજી (GUJCOST), સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) અને ISRO- ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના પ્રોજેકટ ગ્રીન કોલ એ રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ છે. જેમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અવકાશવિજ્ઞાન, ઉપગ્રહ ટેકનોલોજી અને સંશોધનના વિવિધ પાસાઓ વિશે ઊંડું સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક જ્ઞાન મેળવી રહ્યા છે. જે તેમના ભવિષ્યની વૈજ્ઞાનિક ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે માર્ગ પાયારૂપ બની રહેશે.
ISRO જેવી વિશ્વની અગ્રણી સંસ્થાના કેમ્પસમાં પ્રત્યક્ષ તાલીમ મેળવવી એ વિદ્યાર્થીઓ માટે એક દુર્લભ અને પ્રેરણાદાયી અનુભવ છે, ત્યારે વિદ્યાર્થીઓ વિવિધ વિભાગોમાં વૈજ્ઞાનિકો સાથે મુલાકાત લેશે અને વૈજ્ઞાનિકોની કાર્યપદ્ધતિ, અવકાશીય ટેક્નોલોજી સંશોધન, ભાવિ મિશન, અવકાશીય ટેકનોલોજીની અસર અને સ્ટેમ કારકિર્દી જેવા અનેક મુદ્દાઓ અંગે માહિતગાર થશે. રંગપુર શાળાનું નામ નામ રોશન કરવા બદલ શાળા પરિવારે ભવ્યને અભિનંદન પાઠવ્યા હતા.





