
–માહિતી બ્યુરો, ભાવનગર
ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિકમુક્ત અભિયાનને જન આંદોલન બનાવવા આગવી પહેલ શરૂ કરી છે.
દર મહિનાના છેલ્લા રવિવારે ભાવનગર શહેર અને જિલ્લામાં દરિયાકાંઠે સ્વચ્છતા અભિયાન હાથ ધરવા તેમણે સંકલ્પ કર્યો છે. સૌપ્રથમ કોળિયાકના દરિયાકાંઠે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને આજે ઘોઘા તાલુકાનાં કુડા બીચ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અગાઉ કોસ્ટલ બેઠકમાં ઉપસ્થિત દેશભરના સાંસદોને દરિયાકાંઠો પ્લાસ્ટિકમુક્ત બનાવવા અને દરિયાઈ જીવસૃષ્ટિના રક્ષણ, સંવર્ધન સાથે પર્યાવરણનું સંરક્ષણ કરવા સૂચન કર્યું હતું. આ સૂચનને વધાવી લઈ તેની અમલવારી માટે આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. દર મહિનાના છેલ્લા રવિવારે મંત્રીશ્રી દ્વારા લોક સહયોગથી દરિયાકાંઠે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે તેમજ આ અભિયાનને અસરકારક બનાવવા જરૂરી તમામ પગલાં ભરવા તેમણે કટિબદ્ધતા દર્શાવી છે.
ભાવનગર જિલ્લાનો દરિયા કિનારો પ્લાસ્ટિકમુક્ત બને તે માટે મંત્રીશ્રીએ પોતાના જન્મદિવસે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. સ્વચ્છતા અભિયાન માત્ર એક કાર્યક્રમ પૂરતુ જ સિમિત ન રહે પરંતુ એક જન આંદોલન બને તે જ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે તેમ જણાવી તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીના સૂત્ર “સૌનો સાથ, સૌનો વિકાસ” ને સાચા અર્થમાં સાર્થક કરવા માટે આપણે સૌ સાથે મળીને સ્વચ્છતા રાખીશું અને અન્યોને પણ સ્વચ્છતા રાખવા માટે આહવાન કરીશું. સ્વચ્છતા રાખવાની સાથે સાથે પર્યાવરણની જાળવણી કરવી એ પણ આપણી નૈતિક ફરજ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ અભિયાનમાં ભાગ લેનારોએ બીચ પરથી પ્લાસ્ટિકનો કચરો, બોટલ, થેલીઓ અને અન્ય ઘન કચરો એકત્રિત કરીને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી હતી. આ અભિયાન દ્વારા સમુદ્ર અને સાગરીક જીવનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ પ્લાસ્ટિકના ઘટાડા માટે લોકોને સંદેશ અપાયો હતો.
આ તકે ઉપસ્થિત સૌ લોકોએ દરિયા કિનારા તેમજ પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા રાખવા માટેના શપથ ગ્રહણ કર્યાં હતા.
આ તકે કુડા બીચ પર જિલ્લા પંચાયતના સદસ્ય, સરપંચશ્રી સહિતના પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો, તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ, સિંધી સમાજ યુવા વિંગના સભ્યો તેમજ ગ્રામજનો સાથે મળી સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.







