
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મંત્રી પી.સી.બરંડાના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ યાત્રાનો અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ભવ્ય સ્વાગત
ભગવાન બિરસા મુંડાજી”ની ૧૫૦ મી જન્મ જયંતી જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે યોજાનાર જનજાતીય ગૌરવ રથયાત્રા ૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ હસ્તકના રૂ. ૧૨૮. ૬૦ લાખના કુલ ૮૦ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા
ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત જનજાતીય ગૌરવ યાત્રાનો અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ભવ્ય અને ઉત્સાહભેર્યો પ્રારંભ થયો છે. આ યાત્રાના રથનું ભિલોડા તાલુકામાં સ્વાગત અને મંત્રી પી.સી. બરંડાની ઉપસ્થિતિમાં તેનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
ભગવાન બિરસા મુંડા – આદિવાસી સમાજના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસી અસ્મિતાના પ્રતીક –ની જન્મ જયંતિને રાજ્ય સરકારે જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ ઉપલક્ષ્યમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે આદિવાસી વિસ્તારોમાં વિકાસની સફળતાઓને લોકો સુધી પહોંચાડવા અને તેમના ગૌરવને ઉજાગર કરવાનો મહત્વપૂર્ણ હેતુ ધરાવે છે.
જિલ્લાના આદિવાસી બાંધવો, સ્થાનિક આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં માનનીય મંત્રી પી.સી. બરંડાએ રથનું પૂજન કરીને યાત્રાનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે પોતાના સંબોધનમાં બિરસા મુંડાના જીવન, તેમના સંઘર્ષ અને આદિવાસી સમાજના ઉત્થાન માટેના તેમના યોગદાનને યાદ કર્યું. મંત્રી એ જણાવ્યું કે,બિરસા મુંડાજી એક જીવંત ક્રાંતિ જેઓ ઝારખંડના ઉલિહાતુ ગામમાં ૧૫ નવેમ્બર ૧૮૭૫ના ગુરુવારે જન્મેલા બિરસા – જેનું નામ જ મુંડા રીતિરિવાજ મુજબ “ગુરુવારનો બાળક” એટલે કે બિરસા પડ્યું. તેમના પિતા સુગણા મુંડા અને માતા કર્મી હાતુ – ગરીબીમાં જીવતા કૃષિ મજૂરો. પરંતુ આ ગરીબ ઘરમાંથી ઉગ્યો એક એવો વટવૃક્ષ, જેણે બ્રિટિશ વસાહતી વ્યવસ્થાને હલાવી નાખી. માત્ર ૨૪ વર્ષનું જીવન – પરંતુ એટલું શક્તિશાળી કે આજે પણ ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, બિહાર અને ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં તેમનું નામ દેવતા તરીકે પૂજાય છે. મંત્રી એ વધુમાં જણાવ્યું કે, “ગુજરાત રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. આજે આદિવાસી સમાજના લોકોને માર્ગો, પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય, કૃષિ વિકાસ તેમજ જમીનના હક્કોનું વિતરણ જેવી મૂળભૂત સુવિધાઓ મળી રહી છે. વનબંધુ કલ્યાણ યોજના, આદિજાતિ વિકાસ કાર્યક્રમો અને અન્ય અભિયાનો દ્વારા આદિવાસી પરિવારોનું જીવનધોરણ ઊંચું લાવવાના સઘન પ્રયાસો ચાલુ છે.ભગવાન બિરસા મુંડાના આશીર્વાદથી આપણે આદિવાસીઓના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ગુજરાત રાજ્યસરકારનો આભાર માનીએ છીએ..ભુપેન્દ્રભાઈની સરકારમા આપણા વિસ્તારને 1500 કરોડના વિકાસના કામો આપ્યા છે અને આપણો વિસ્તાર વિકાસની હરણફાળ ભરી રહ્યો છે અને આજે શામળાજી નવો તાલુકો આપ્યો છે.“
આ રથયાત્રા આદિવાસી વિસ્તારોમાં વિકાસની વાતને ઘરે-ઘરે પહોંચાડવાનો અને સમાજમાં ગૌરવની ભાવના જગાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. અરવલ્લી જિલ્લામાં આ યાત્રાના પ્રારંભથી આદિવાસી સમાજમાં નવો ઉત્સાહ અને વિશ્વાસ જન્મ્યો છે.આ પ્રસંગે રાજ્ય સભા સાંસદશ્રી રમીલાબેન બારા,જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક, જિલ્લા વિકાસ અધિકારી તેમજ સ્થાનિક પદાઅધિકારી ઓ અને વિભાગીય અધિકારીઓ, આદિવાસી આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.





