AHAVADANG

ડાંગ: સાપુતારામાં કરોડોના ખર્ચે બનેલા બસ સ્ટેશનની આહવા એસટી ડેપો વિભાગની બેદરકારીનાં પગલે ચમક ઘટી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા એસટી ડેપો વિભાગની બેદરકારીનાં પગલે સાપુતારા એસટી ડેપોની ચમક ઘટી..

ડાંગ જિલ્લાના પ્રખ્યાત ગિરિમથક સાપુતારામાં કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત આધુનિક બસ સ્ટેશન મુસાફરો માટે સુવિધાને બદલે હાલાકીનું ઘર બની ગયું છે.ઉદ્ઘાટનના ગણતરીના દિવસોમાં જ બસ સ્ટેશન અને તેની બહાર લગાવવામાં આવેલી મોટાભાગની લાઈટો બંધ થઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.રાત્રિના સમયે અહીં આવતા-જતા મુસાફરોને અંધારામાં ફાંફા મારવાની નોબત આવી છે, જેના કારણે સુરક્ષા અને સુવિધા બંને પર પ્રશ્નાર્થ સર્જાયો છે.પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવા સાપુતારામાં કરોડોના ખર્ચે અત્યાધુનિક બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતુ.આ બસ સ્ટેશનનું નિર્માણ મુસાફરોને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી કરવામાં આવ્યુ હતું. જોકે, નવા બસ સ્ટેશનના લોકાર્પણના થોડા જ દિવસોમાં તેની ઝાકઝમાળ ઓસરી ગઈ છે.બસ સ્ટેશનની અંદર અને ખાસ કરીને બહાર લગાવવામાં આવેલી મોટાભાગની લાઈટો બંધ હાલતમાં છે.રાત્રિના સમયે સાપુતારા બસ સ્ટેશન સંપૂર્ણપણે અંધકારમાં ડૂબી જાય છે. દૂર દૂરથી આવતા મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બસ ક્યાં ઊભી છે, કયા પ્લેટફોર્મ પર જવું તે શોધવામાં પણ મુશ્કેલી પડે છે. વળી, અંધારાના કારણે ચોરી અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓનો ભય પણ વધી ગયો છે.બસ ડેપોની બહારનો વિસ્તાર તો એટલો અંધારમય બની ગયો છે કે ત્યાંથી પસાર થવું પણ જોખમી બન્યુ છે.કરોડોના ખર્ચે બનેલા બસ સ્ટેશનમાં આટલી ઝડપથી લાઈટો બંધ થઈ જવી એ એસટી તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. સ્થાનિકો અને મુસાફરોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાના પૈસે બનેલી સુવિધાઓ જો આવી રીતે નિષ્ફળ જાય તો તેનો કોઈ અર્થ રહેતો નથી.જેથી તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે અને બસ સ્ટેશનમાં યોગ્ય લાઇટિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગણી મુસાફરો અને સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો મુસાફરોને વધુ હાલાકી વેઠવી પડશે અને સાપુતારાની છબી પણ ખરડાઈ શકે છે જેમાં બેમત નથી..

Back to top button
error: Content is protected !!