ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાને એક જ દિવસમાં રૂ. ૨૩૪૦૧ લાખના વિકાસ પ્રકલ્પોની આપી ભેટ*

ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાને એક જ દિવસમાં રૂ. ૨૩૪૦૧ લાખના વિકાસ પ્રકલ્પોની આપી ભેટ
તાહિર મેમણ – આણંદ – 30/01/2026 – મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આણંદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂ.૨૩,૪૦૧.૪૦ લાખના વિવિધ વિભાગના ૪૯ જેટલા વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું.
આણંદ જિલ્લાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂજ્ય બાપુના નિર્વાણ દિને તેમની દિવ્ય ચેતનાને ભાવાંજલિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂજ્ય બાપુના સ્વચ્છતા, આત્મનિર્ભરતા અને સામાજિક સમરસતાના મૂલ્યોને આત્મસાત કરીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. આજે પણ જ્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત થાય છે ત્યારે ગાંધીજીની સર્વોદય અને સર્વાંગી વિકાસની વિભાવના વધુ પ્રાસંગિક લાગે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લામાં રૂ. 23,401.40 લાખના ખર્ચે વિવિધ વિભાગના 49 વિકાસલક્ષી પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. આ વિકાસકામોમાં નાનકડા ગામ દેવપુરાના ૭૫૦ લાખના મેજર રોડની કામગીરીમાં સમાવેશ થતા ગ્રામવાસીઓએ મુખ્યમંત્રીશ્રીને મળી તેમની ખુશી વ્યક્ત કરી મુખ્યમંત્રીશ્રીને શાલ, પાઘડી અને લાકડીની ભેટ આપી તેમનું સ્વાગત-સન્માન કર્યું હતુ. ગ્રામજનોની લાગણીને માન આપી મુખ્યમંત્રીશ્રીએ ભેટનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.
આ કાર્યક્રમ ખંભાત તાલુકાની વિવિધ સંસ્થાના અગ્રણીઓ શ્રીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.





