
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા – કચ્છ.
કચ્છમાં TET–1 પરીક્ષા કેન્દ્ર ફાળવવાની અપેક્ષા સાથે— રાજ્યના સૌથી મોટા કચ્છ જિલ્લાના ભુજ તથા અંજાર એમ બે સ્વતંત્ર જિલ્લામાં વિભાજનની પણ લોકમાંગ
રતાડીયા, તા. 22 : રાજ્યમાં TET–1 (શિક્ષક યોગ્યતા કસોટી) માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ થઈ છે અને આ વર્ષે કચ્છ જિલ્લામાંથી અસાધારણ સંખ્યામાં વિદ્યાર્થીઓએ અરજી કરી છે. છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છી ઉમેદવારોને 300 થી 400 કિલોમીટર દૂર અન્ય જિલ્લાઓમાં પરીક્ષા આપવા જવું પડે તેવી ચિંતા સતત વ્યક્ત થતી રહી છે. લાંબી મુસાફરીના કારણે દરેક ઉમેદવારના પરિવારને ત્રણથી પાંચ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને મુસાફરીથી થતાં શારીરિક–માનસિક થાકનું સીધું પ્રભાવ પરીક્ષા પરિણામ પર પડે છે. ખાસ કરીને યુવતીઓ માટે આવી મુસાફરી વધુ જોખમી અને મુશ્કેલ બની રહે છે.
આ મુદ્દે રતાડીયા જલારામ સખી મંડળની પ્રમુખ તિતિક્ષાબેન પ્રકાશચંદ્ર ઠક્કર સહિત કચ્છના જાગૃત નાગરિકો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં કચ્છ માટે TET–1 પરીક્ષા કેન્દ્ર ફાળવવાની ન્યાયોચિત માંગણી કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ધોરણ 10–12 બોર્ડ, કોલેજ પરીક્ષાઓ તેમજ NET–GSET જેવી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ પણ અનેક આધુનિક અને CCTV સુસજ્જ સંસ્થાઓમાં સફળતાપૂર્વક યોજાય છે ત્યારે TET–1 જેવી મહત્વપૂર્ણ કસોટી માટે પણ કચ્છ સંપૂર્ણપણે પાત્રતા ધરાવે છે. જાહેરનામામાં સ્પષ્ટ લખ્યું છે કે પરીક્ષા કેન્દ્રો વિદ્યાર્થીઓની સંખ્યા અને સ્થાનિક સુવિધાઓને આધારે નક્કી કરવામાં આવશે—એ દૃષ્ટિએ કચ્છ જિલ્લો યોગ્યતા ધરાવતો હોવા છતાં અહીં કેન્દ્ર ન આપવાનું કોઈ વાજબી કારણ નથી.
આવતીકાલે રવિવારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છની મુલાકાતે ભુજ આવી રહ્યા છે. કચ્છના લોકોમાં અપેક્ષા વ્યાપી છે કે તેઓ આ પ્રશ્નની ગંભીર સમીક્ષા કરીને કચ્છ જિલ્લાને TET–1નું પરીક્ષા કેન્દ્ર ફાળવવાનો ઐતિહાસિક નિર્ણય લેશે. આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓને રાહત મળશે અને કચ્છમાં પ્રાથમિક શિક્ષકોની વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં જરૂરી વેગ મળશે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘કન્યા કેળવણી’ના અભિયાનને પણ વધારાનો આધાર મળશે.
આ સાથે એક મહત્વની લોકમાંગ એ પણ છે કે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો કચ્છ જિલ્લો એટલો વિશાળ છે કે વહીવટી સુવિધા, નાગરિક સેવાનો વ્યાપ અને વિકાસની ઝડપ વધારવા માટે જિલ્લાનું બે ભાગમાં વિભાજન સમયની માંગ બની ગઈ છે. વર્ષોથી લોકો ભુજ અને અંજાર એમ બે સ્વતંત્ર જિલ્લાની રચનાની માંગણી કરતા આવ્યા છે. કચ્છની ભૌગોલિક વિશાળતા, વસ્તીવૃદ્ધિ અને ગ્રામ્ય વિસ્તારો સુધી સેવાઓ પહોંચાડવાની મુશ્કેલી ધ્યાનમાં રાખીને આ વિભાજન વિકાસ માટે અત્યંત જરૂરી છે એવો સામાન્ય નાગરિકોમાં મત પ્રચલિત છે. મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન આ મુદ્દો પણ ગૌણ નહીં રહે અને વહીવટી દૃષ્ટિએ કચ્છના ભવિષ્ય માટે સકારાત્મક જાહેરાત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




