
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૬ ઓગસ્ટ : રાજ્યના વિવિધ ભાગોમાં દરિયા કિનારે તથા પાણીના ભારે વહેણ ધરાવતા કોઝ-વે, નદી, નહેર, જળાશયો તેમજ પાણીના ધોધમાં ન્હાવા જવાથી ઘણા લોકોના તણાઈ/ડૂબી જવાથી મૃત્યુ થવાના કિસ્સાઓ અવાર-નવાર બનતા હોય છે જે અંગે સરકારથીના ગૃહ વિભાગ દ્વારા આવા ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિ/પ્રવાસીઓ ન્હાવા માટે ન જાય તે માટે જરૂરી પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવા સુચના આપવામાં આવેલ છે તે ધ્યાને લઈ હાલમાં ચોમાસાની ઋતુ હોય અત્રેના જિલ્લામાં પણ નદી, નાળા, નહેર, કોઝ-વે વિગેરેમાં પાણીનું ભારે વહેણ ચાલુ હોય તેમજ દરિયામાં પણ ભરતીનો સમય હોય ઊંચા મોજાં ઉછળતા હોય છે. જેમાં આમ જનતા તથા પ્રવાસીઓ પોતાને જીવ જોખમમાં મુકી નાહવા જતા હોય છે. જેના કારણે લોકોના જાનમાલને નુકશાન થાય તેવી પુરી સંભાવના હોય લોકોના જાનમાલને થતું નુકશાન અટકાવવા આવા ભયજનક સ્થળોએ પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.જેથી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરા, કચ્છ-ભુજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા- ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે સમગ્ર કચ્છ જિલ્લામાં આવેલ તમામ નદી, નાળા, નહેર, ચેકડેમ તથા તેનો નીચાણ વાળી વિસ્તાર, જગ્યાથી કોઝ-વે તથા નાના મોટા ધોધ જેવા પાણીનું ભારે વહેણ ધરાવતાં ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિ/પ્રવાસીઓએ નહાવા જવા, કપડા ધોવા કે માછલી પકડવા માટે પ્રવેશ કરવું નહી તેમજ તે માટે મદદગારી કરવી નહી. સમગ્ર કચ્છ જિલ્લામાં આવેલ તમામ દરિયા કિનારાએ ભરતીના સમયે તથા ચોમામાની ઋતુ દરમિયાન ઊંચા મોજા ઉછળતા હોવાથી કોઈપણ વ્યક્તિ/પ્રવાસીઓએ નાહવા જવા દરિયાના પાણીમાં પ્રવેશ કરવું નહી તેમજ દરિયા કિનારે જોખમી રીતે ઉભા રહેવું નહી. સમગ્ર કચ્છ જિલ્લામાં આવેલ તમામ કોઝ-વે ઉપર પાણીનું વહેણ ચાલુ હોય ત્યારે કોઈ વ્યક્તિએ જાતે અથવા વાહન સાથે કોઝ-વે ઉપરથી પસાર થવું નહીં. ઉપરના તમામ ભયજનક સ્થળોએ જોખમી રીતે ઉભા રહી મોબાઈલ/કેમેરામાં ફોટા/સેલ્ફી લેવા નહીં.આ હુકમ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તથા આપત્તિ વ્યવસ્થાપન માટે મુકાયેલ કર્મચારીઓ તથા અધિકારીશ્રીઓને લાગુ પડશે નહી. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ પગલા લેવા માટે થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તા.૦૩/૧૦/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.


