
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતની ઘરવાપસીથી કૉંગ્રેસમાં નવો પ્રાણ પુરાયો અને ભાજપામાં ભંગાણ શરૂ..
સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પૂર્વે ડાંગ જિલ્લાનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.તેવામાં ડાંગ જિલ્લા ભાજપમાં આજે મોટો ભડકો થવાની સાથે ભંગાણ થયુ છે.ડાંગનાં પૂર્વપટ્ટી વિસ્તારનાં કદાવર નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડી ગાંધીનગર સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે.થોડા સમય પહેલા પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતની ઘરવાપસી અને ત્યારબાદ ભાજપમાં પાડેલા આ ગાબડાથી ડાંગના રાજકારણમાં ખલભળાટ મચી ગયો છે.ઉલ્લેખનીય છે કે, અંદાજે બે માસ અગાઉ પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ભાજપ છોડી કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી. ત્યારથી જ ડાંગ ભાજપમાં ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યા હતા.ત્યારે મંગળ ગાવિતની મહત્વની ભૂમિકાને પગલે ડાંગ જિલ્લાના પાયાના કાર્યકરો, તાલુકા અને જિલ્લા પંચાયતના ચાલુ અને માજી સદસ્યો સહિત 22 જેટલા મુખ્ય નેતાઓ અને કાર્યકર્તાઓએ કમળનો કેસરીયો છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે.ગાંધીનગર ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાનાર મુખ્ય ચહેરાઓમાં સુબિર પટાનાં ધુંરધર આગેવાન એવા બાબુભાઈ બાગુલ( માજી સરપંચ),નિલેશભાઈ બાબુભાઈ બાગુલ(જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ),વિજયભાઈ ચૌધરી(માજી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અને જિલ્લા સદસ્ય),લગનભાઈ ગામીત(તાલુકા કારોબારી ચેરમેન),કરસનભાઈ ચૌધરી(સરપંચ -પીપલદહાડ),મગનભાઈ રાઉત (અન્ય તાલુકા સભ્યો અને વોર્ડ સભ્યો) નો સમાવેશ થયો છે.કોંગ્રેસમાં જોડાયેલા આગેવાનોએ ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ડાંગના વિકાસના નામે ભાજપા પાર્ટી દ્વારા માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.ભાજપનાં શાસનમાં છેવાડાના માનવી અને પાયાના કાર્યકરોની સતત ઉપેક્ષા કરવામાં આવે છે. સત્તાના દુરુપયોગથી કંટાળીને અને જનતાના પ્રશ્નો વાચા આપવા માટે તેઓએ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપ માટે આ એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકાનાં આદિવાસી પટ્ટામાં મંગળ ગાવિતનાં પ્રભુત્વને કારણે ભાજપનાં મતના સમીકરણો બગડી શકે છે.કારણ કે મંગળભાઈ ગાવીતની લોકપ્રિયતા આજે પણ છેવાડેનાં ગરીબ માનવી સુધી જોવા મળે છે.બીજી તરફ, કોંગ્રેસ આ જોડાણને પોતાની મોટી જીત ગણાવી રહી છે અને દાવો કરી રહી છે કે હજુ પણ ભાજપના અનેક આગેવાનો અને જૂથો તેમના સંપર્કમાં છે.ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સ્નેહલ ઠાકરે એ જણાવ્યું હતું કે,”ડાંગના પાયાના કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કોંગ્રેસ પરનો આ વિશ્વાસ દર્શાવે છે કે હવે ડાંગની જનતા આગામી ચૂંટણીઓમાં પરિવર્તન ઈચ્છે છે.ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળીને આજે 22થી આગેવાનો અને કાર્યકરો જોડાયા છે, જેનાથી ડાંગમાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનશે અને આગામી ચૂંટણીઓમાં ભાજપના ગઢનાં કાંગરા ખરી જશે.”ત્યારે રાજકીય પંડિતોનું કહેવુ છે કે ડાંગ જિલ્લામાં જો ભાજપાનાં નેતાઓ પોતાની અક્કડ ન સુધારે તો આવનાર ચૂંટણીઓમાં કૉંગ્રેસ પંજો લહેરાવી જિલ્લા પર સતા હસ્તગત કરશે જેમાં કોઈ નવાઈ નથી..





