
વાત્સલ્યમ્ સમાચાર,
હર્ષલ ખંધેડિયા, જામનગર
🔥 બ્રેકિંગ ન્યુઝ 🔥
જામનગર ભાજપમાં મોટું ગાબડું! પીઢ પાટીદાર નેતા નાનજીભાઈ ચોવટીયા ‘આપ’માં સામેલ?
જામનગર (અહેવાલ: હર્ષલ ખંધેડિયા):
સૌરાષ્ટ્રના રાજકારણમાં આજે ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. જામનગર જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને કાલાવડ પંથકના કદાવર પાટીદાર નેતા નાનજીભાઈ ચોવટીયાએ ભાજપ સાથેનો છેડો ફાડીને આમ આદમી પાર્ટી (AAP) નો પલ્લો પકડવાનો નિર્ણય કર્યો છે. આજે ગોપાલ ઈટાલીયાની વિશેષ ઉપસ્થિતિમાં તેઓ વિધિવત રીતે ‘આપ’માં જોડાશે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે.
જાણો કોણ છે નાનજીભાઈ ચોવટીયા?
નાનજીભાઈ ચોવટીયા માત્ર એક રાજકારણી જ નહીં, પરંતુ સામાજિક રીતે પણ મજબૂત પકડ ધરાવે છે. સ્નાતક સુધીનો અભ્યાસ કરનાર નાનજીભાઈ વ્યવસાયે ખેતી અને ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમની રાજકીય સફર દાયકાઓ જૂની અને પ્રભાવશાળી રહી છે:
* 1994: સૌપ્રથમ વખત યુવા ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી.
* 1995: કાલાવડ તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા.
* 1998 થી 2005: લાંબા સમય સુધી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સંગઠનને મજબૂત કર્યું.
* 2010 થી 2015: જિલ્લા પંચાયતના સભ્ય બન્યા અને જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મહત્વની સેવાઓ આપી.
લાંબા સમયથી ભાજપના પાયાના કાર્યકર અને નેતા રહેલા નાનજીભાઈનું આમ આદમી પાર્ટીમાં જોડાવું એ જામનગર અને કાલાવડ વિસ્તારમાં ભાજપ માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પાટીદાર મતો પર તેમનું વર્ચસ્વ હોવાથી આગામી સમયમાં સમીકરણો બદલાઈ શકે છે.




