
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકશાન – મગફળી, સોયાબીનના પાક પાણીમાં પલળ્યા, મેઘરજ તાલુકામાં સૌથી વધુ કમોસમી વરસાદ
અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ થયેલા કમોસમી વરસાદે ખેતીવાડી પર ભારે અસર પાડી છે. જિલ્લામાં તમામ તાલુકાઓમાં માવઠું થતાં ખેડુતોને ચિંતા ઘેરી લીધી છે. ખાસ કરીને મેઘરજ તાલુકામાં સૌથી વધુ, આશરે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.ચોમાસા બાદ ખેડુતો દ્વારા મગફળી અને સોયાબીનના પાકની કાપણી કરવામાં આવી હતી. ઘણા ખેડુતો પાક કાપી ખેતરમાં ઢગલીઓ સ્વરૂપે સૂકવવા મુકેલા હતા. પરંતુ અચાનક પડેલા કમોસમી વરસાદે આ પાકને પાણીમાં પલાળી દીધો છે. તેની સાથે ડાંગર અને અડદનો પાક પણ અસરગ્રસ્ત બન્યો છે.ખેડુતોનું કહેવું છે કે નવરાત્રી દરમિયાન પણ કમોસમી વરસાદને કારણે નુકશાન થયું હતું. હવે ફરી એકવાર મગફળી અને સોયાબીનની ઉપજ પર પાણી ફરી વળતાં ખેડૂતોની આશાઓ તૂટી ગઈ છે. અનેક ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન સહન કરવું પડ્યું છે.ખેડુતોએ સરકારને માંગ કરી છે કે તાત્કાલિક નુકશાનગ્રસ્ત વિસ્તારોમાં સર્વે હાથ ધરવામાં આવે અને મગફળી, સોયાબીન તથા અન્ય પાકના નુકશાનની યોગ્ય સહાય જાહેર કરવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળી રહે.





