AHAVADANGGUJARAT

ડાંગમાં ભાજપાને મોટો રાજકીય ઝટકો: 200થી વધુ કાર્યકરો કૉંગ્રેસમાં, ટિકિટ વિતરણથી બળવો ભડક્યો

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

પેટા:-ડાંગનાં શામગહાન જિલ્લા સીટ પર ટિકિટ વિતરણ મુદ્દે અસંતોષ,કાકી-ભત્રીજાને ટિકિટ મળતા જીજાજીનો બળવો,ગોપાળભાઈ બંગાળ સહિત આગેવાનોનો પક્ષપરિવર્તન..

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને શામગહાન જિલ્લા સીટ વિસ્તારમાં ભાજપાને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે.ભાજપાના આગેવાન અને પૂર્વ ઉપસરપંચ ગોપાળભાઈ બંગાળ સહિત આશરે 200 જેટલા પાયાના કાર્યકર્તાઓએ ભાજપાનો ત્યાગ કરી કૉંગ્રેસમાં જોડાતા જિલ્લા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.શામગહાન વિસ્તારમાં ભાપખલ, રાનપાડા, ચીખલી, બારીપાડા અને ચિરાપાડા સહિતના ગામોના ભાજપાના કાર્યકર્તાઓએ પૂર્વ ધારાસભ્ય મંગળભાઈ ગાવીતના હસ્તે કૉંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો, જેના કારણે રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે.આ પ્રસંગે ગોપાળભાઈ બંગાળે ભાજપા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 30 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલા રહી નિષ્ઠાપૂર્વક કામ કરતા રહ્યા હતા. છતાં તાલુકા પંચાયતની ટિકિટ માંગતા પક્ષ દ્વારા તેઓની અવગણના કરવામાં આવી હતી.પાયાના કાર્યકર્તાઓનું હિત જળવાતું ન હોવાને કારણે તેઓએ સમર્થકો સાથે કૉંગ્રેસની વિચારધારા અપનાવી હોવાનું જણાવ્યું હતુ.વધુમાં તેમણે ભાજપા પર પરિવારવાદનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શામગહાન જિલ્લા સીટ માટે ચિરાપાડા ગામના કમળાબેન રાઉતને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે તાલુકા સીટ માટે એ જ ગામના અને એક જ પરિવારનાં નીતિનભાઈ રાઉતને ટિકિટ આપવામાં આવી છે.આ રીતે કાકી-ભત્રીજાને ટિકિટ ફાળવી ભાજપાએ પક્ષની આંતરિક લોકશાહી પર પ્રશ્નો ઊભા કર્યા છે.ભાજપામાં ટિકિટ ન મળતા ગોપાળભાઈ બંગાળે ભાજપા સાથે છેડો ફાડી કૉંગ્રેસમાં જોડાઈ ઉમેદવારી નોંધાવતા હવે જિલ્લા સીટ પર રાજકીય સંઘર્ષ વધુ તેજ બનવાની શક્યતા છે. ખાસ કરીને સગા કાકી-ભત્રીજાના વિરોધમાં જ જીજાજી ખુલ્લેઆમ મેદાનમાં ઉતરતા આગામી દિવસોમાં ચૂંટણી વધુ રસપ્રદ બનવાની સંભાવના છે.

બોક્ષ:-(1) વઘઈ તાલુકામાં પણ ભાજપાને ઝટકો.ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના દગડીઆંબા જિલ્લા સીટ વિસ્તારમાં ભાજપાના કદાવર નેતા બળવંતભાઈ દેશમુખે પણ આશરે 50 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપાનો ત્યાગ કરી કૉંગ્રેસમાં જોડાયા છે. શિવારીમાળ ગામના વતની અને વઘઈ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા બળવંત દેશમુખને પક્ષ દ્વારા ટિકિટ ન આપી અવગણના કરતા તેમણે પણ મંગળભાઈ ગાવીતના હસ્તે કૉંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.અને કૉંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે.આમ, ડાંગ જિલ્લામાં ભાજપાની લાંબા સમયથી ચાલી આવતી નીતિઓ અને ટિકિટ વિતરણ મુદ્દે ઉભા થયેલા અસંતોષને કારણે પાયાના કાર્યકર્તાઓ ધીમે ધીમે કૉંગ્રેસ તરફ વળતા જોવા મળી રહ્યા છે, જેના કારણે કૉંગ્રેસમાં નવી ઊર્જા પ્રવેશી હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે..

Back to top button
error: Content is protected !!