Rajkot: બાયો ટેકનોલોજી ક્ષેત્રમાં ઉદ્યોગ સહિતની વ્યાપક તકો અંગે રાજકોટમાં ૨૬મીએ ‘બાયોટેક કોન્કલેવ’ યોજાશે
તા.૨૩/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના ડાયરેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા રાજકોટમાં પત્રકારોને સંબોધન
Rajkot: ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા બાયોટેકનોલોજી ક્ષેત્રે ઊભરતી તકો અને ભવિષ્યની સંભાવનાઓ અંગે રાજકોટમાં ૨૬મી સપ્ટેમ્બરે બાયોટેક કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ઉદ્યોગકારો, શિક્ષણવિદો સહિતના લોકો સાથે મળીને બાયોટેક ફીલ્ડના વ્યાપ અંગે મંથન કરશે.
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના ડાયરેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આજે રાજકોટમાં પત્રકાર પરિષદમાં આ માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આઈ.ટી. ફિલ્ડની જેમ બાયો ટેક્નોલોજી ફિલ્ડમાં ખૂબ સારી તકો છે અને ભવિષ્ય ઉજ્જ્વળ છે. વર્તમાન સમયમાં જોવા મળતા પ્રદૂષણ, બીમારીઓ સહિતના અનેક પ્રશ્નોના ઉકેલ બાયો ટેક્નોલોજીમાં જોવામાં આવે છે.
તેમણે કહ્યું હતું કે, આગામી તા.૨૬ સપ્ટેમ્બરનાં રોજ રાજકોટમાં સવારે ૧૦ થી ૨ વાગ્યા દરમિયાન રીજીયોનલ બાયોટેકનોલોજી કોન્કલેવ યોજાશે. જેમાં ગુજરાત બાયોટેકનોલોજી પોલિસી ૨૦૨૨-૨૭, સંશોધન સહાય યોજના તેમજ તાલીમ કાર્યક્રમો સહિત બાયોટેકનોલોજી ક્ષેત્રમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી વિવિધ યોજનાઓ અંગે વિદ્યાર્થીઓ, સંશોધકો તેમજ ઉદ્યોગ સાહસિકો સાથે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવશે.
તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે, કોન્ફ્લેવમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, ઈન્ડસ્ટ્રી એસોસિએશન્સ, સંશોધકો અને ઇનોવેટર્સ બાયોટેકનોલોજી ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓ વિષે ચર્ચા કરશે. રાજકોટ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં બાયોટેકનોલોજી ક્ષેત્રે નવા ઉદ્યોગો, સંશોધન સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રાજ્ય તેમજ દેશના વિકાસમાં પોતાની ભૂમિકા ભજવી શકે તે માટે આ કોન્કલેવ યોજાશે.
આ ઉપરાંત તેમણે બાયોટેકનોલોજી અંતર્ગત સરકારશ્રીની વિવિધ સહાયલક્ષી યોજનાઓ, ઔદ્યોગિક અને શૈક્ષણિક તકો વિશે વિસ્તૃત જાણકારી આપતાં કહ્યું હતું કે, બાયોટેકનોલોજી થકી હેલ્થકેર, કૃષિ, બાયો-એનર્જી અને ઇન્ડસ્ટ્રીયલ બાયોટેક જેવા ક્ષેત્રે ઇનોવેશનથી મહત્વપૂર્ણ પડકારો અને સમસ્યાઓનું સમાધાન થઇ રહ્યું છે.
તેમણે આ સાથે રાજ્ય સરકારની ગુજરાત બાયોટેકનોલોજી પોલિસી ૨૦૨૨-૨૭ અંતર્ગત ઉદ્યોગોને નાણાકીય સહાય અંગેની જાણકારી આપતા કહ્યું હતું કે, રૂ.૨૦૦ કરોડથી ઓછા મૂડી રોકાણમાં ૨૫%ના દરે રૂ.૪૦ કરોડ સુધી અને રૂ.૨૦૦ કરોડથી વધુ મૂડી રોકાણ/ મેગા/ ખાસ પ્રોજેક્ટ્સ ૨૫%ના દરે રૂ. ૨૦૦ કરોડ સુધી કેપિટલ સબસીડી સરકાર દ્વારા આપવામાં આવે છે.
જ્યારે રૂ.૨૦૦ કરોડથી ઓછા મૂડી રોકાણ ધરાવતા યુનિટ્સ માટે ૧૫% ના દરે ૨૫ કરોડ રૂપિયા સુધી અને રૂ. ૨૦૦ કરોડ થી વધુ મૂડી રોકાણ ધરાવતા યુનિટ્સ/ મેગા/ ખાસ પ્રોજેક્ટ્સ માટે ૫ વર્ષ માટે ૧૫%ના દરે ૧૨૫ કરોડ રૂપિયા સુધી ઓપરેશનલ સબસીડી આપવામાં આવે છે.
બાયોટેક્નોલોજી ક્ષેત્રે સંશોધન માટે આગળ આવવા પણ તેમણે શિક્ષણવિદો, સંશોધકોને અપીલ કરી હતી. આ સાથે વિદ્યાર્થીઓ માટે આ ક્ષેત્રમાં ખૂબ ઉજ્જ્વળ તકો હોવાનું જણાવ્યું હતું. ગુજરાતની અનેક જાણીતી ફાર્મા કંપનીઓ હવે બાયોટેક્નોલોજી તરફ વળી હોવાની માહિતી પણ તેમણે આપી હતી.
આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત સ્ટેટ બાયો ટેકનોલોજી મિશનના જોઈન્ટ ડાયરેક્ટરશ્રી ડો. સ્નેહલ બગથરીયા, મેનેજર શ્રી ડો. દક્ષા સખીયા તેમજ પ્રાદેશિક સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ડો. સુમિત વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.