
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત ડાંગ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન આહવા ખાતે આયોજિત ભવ્ય રેલી અને બુથ સમિતિ સંમેલનમાં ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.શબરી ધામની પવિત્ર ભૂમિ ગણાતા ડાંગમાં પ્રદેશ અધ્યક્ષનું પરંપરાગત શૈલીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.આહવાના બિરસામુંડા સર્કલથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સ્વરાજ આશ્રમ ખાતે પહોંચી હતી. રેલીમાં જિલ્લા પ્રભારી મંત્રી જયરામ ગામીત, દક્ષિણ ઝોન પ્રભારી પ્રશાંત કોરાટ, સાંસદ ધવલ પટેલ અને સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ,ડાંગ ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીત,પ્રભારી રાજેશભાઈ દેસાઈ સહિતના આગેવાનો જોડાયા હતા. સ્વરાજ આશ્રમ ખાતે ડાંગના રાજા ધનરાજસિંહજી દ્વારા પ્રદેશ અધ્યક્ષને પરંપરાગત સાફો પહેરાવી અને આદિવાસી સંસ્કૃતિનું પ્રતિક એવું ‘તીર-કમાન’ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ.બુથ સમિતિ કાર્યકર્તા સંમેલનને સંબોધતા જગદીશ વિશ્વકર્મા ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, “માતા શબરીની આ પવિત્ર ભૂમિ પર જે સ્નેહ મળ્યો છે તે અવિસ્મરણીય છે.” તેમણે ડાંગના શૌર્યમય ઇતિહાસ અને લોકોની ભગવાન રામ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને બિરદાવી હતી.પોતાના સંબોધનમાં તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે,ભાજપ સરકારે હંમેશા વિકાસની રાજનીતિ કરી છે, જ્યારે કોંગ્રેસે માત્ર વિરોધ કર્યો છે.ગેસ સિલિન્ડરના મુદ્દે દેખાવો કરનારા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે સરકારની જનકલ્યાણકારી યોજનાઓની યાદ અપાવી હતી.તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાજપ સરકારે જ આદિવાસી જનજાતિના મહાનાયક ભગવાન બિરસા મુંડાને સાચું સન્માન અપાવ્યું છે.પ્રદેશ અધ્યક્ષે બુથ સ્તરના કાર્યકરોને સંગઠનની કરોડરજ્જુ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે બુથ પ્રમુખથી લઈને નાનામાં નાના કાર્યકરની મહેનતને કારણે જ ભાજપ આજે આટલું મજબૂત બન્યું છે. આગામી સમયમાં સંગઠનની આ શક્તિને વધુ વેગવંત બનાવી લોકસેવા કરવા તેમણે આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉમટી પડતા આહવા નગર કેસરીયા રંગે રંગાયુ હતુ.આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન,મહામંત્રીઓમાં ધર્મેશભાઈ પટેલ,બુધુભાઈ કામડી,શંકરભાઈ પવાર, ઉપપ્રમુખ હરિરામ સાંવત સહીત જિલ્લાનાં હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..





