AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં કડમાળ જિલ્લા પંચાયતની પેટા ચુંટણીમાં ભાજપાનો ભગવો લહેરાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની સુબિર તાલુકાની કડમાળ જિલ્લા સીટની બેઠક પર ભાજપાનાં ઉમેદવાર લતાબેન નાનુભાઈ લોત્યાનો 4666 મતોથી ભવ્ય વિજય થતા ડાંગ ભાજપા પાર્ટી દ્વારા મોઢું મીઠું કરી ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો..

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની પ્રસંગોપાત ખાલી પડેલ પેટાચૂંટણીની 1 બેઠક માટે ભાજપા, કૉંગ્રેસ અને અપક્ષ મળી ત્રિકોણીય જંગ જામ્યો હતો.ત્યારે મતગણતરીનાં દિવસે ભાજપનાં ઉમેદવાર લતાબેન લોત્યાએ અન્ય પક્ષનાં ઉમેદવારોનાં સુપડા સાફ કરી જંગી બહુમતીથી બાજી મારી છે. ડાંગ જિલ્લા પંચાયતની સુબીર તાલુકાની કડમાળ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી અને મતગણતરી પણ પૂર્ણ થઈ છે.આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે લતાબેન નાનુભાઈ લોત્યા, કોંગ્રેસના ઉમેદવાર તરીકે એલિષાબેન ગુલાબ ચૌધરી તથા અપક્ષના ઉમેદવાર તરીકે ગીતાબેન નિલેશભાઈ ઝામરેએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે આ કડમાળ બેઠક પર ત્રિકોણીય જંગ જામશે એવું જણાઈ રહ્યુ હતુ.આ કડમાળ બેઠક પર કુલ 14,257 મતદારો હોય અને કુલ 22 મતદાન મથકો પર મતદાન કરવામાં આવેલ હતુ. જોકે 14,257 મતદારો પૈકી સવારે 07:00 થી સાંજે 5:00 વાગ્યા સુધીમાં કુલ 6377 મતદારો એ જ મતદાન કરેલ હતુ.અર્થાત 44.72 ટકા જેટલુ નિરસ મતદાન થયુ હતું.ત્યારે આજરોજ સુબિર તાલુકા સેવા સદન કચેરી ખાતે મતગણતરી થતા ભાજપનાં ઉમેદવાર લતાબેન નાનુભાઈ લોત્યાને 4666 મત તથા કોંગ્રેસનાં ઉમેદવાર એલીશાબેન ગુલાબ ચૌધરીને 1341 તથા અપક્ષનાં ઉમેદવાર ગીતાબેન ઝામરેને  471 તથા નોટામાં 68 મત પડ્યા હતા.ત્યારે અહીં ભાજપના ઉમેદવાર લતાબેન નાનુભાઈ લોત્યાનો 4666 મતોથી ભવ્ય વિજય થયો હતો.ડાંગ કડમાળ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપાને  ભવ્ય વિજય મળવા બદલ સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.અહી ભાજપાની ભવ્ય જીત થતા પ્રદેશ ગુજરાત ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ,પ્રદેશ મહામંત્રી રત્નાકરજી,વલસાડ-ડાંગ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ,ડાંગ જિલ્લા સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈ,ડાંગ વિધાનસભાનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ,ડાંગ સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાવિત,ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈન,ડાંગ જિલ્લા સંગઠન મહામંત્રીઓમાં હરિરામભાઇ સાવંત,રાજુભાઈ ગામીત,દિનેશભાઈ ભોયે તેમજ વડીલો અને ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનોના માર્ગદર્શન હેઠળ જંગી લીડ સાથે વિજય મેળવતા ભાજપાનાં જીત મેળવનાર ઉમેદવાર લતાબેન લોત્યાએ સૌનો હદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.ડાંગ જિલ્લામાં ભાજપાનાં ઉમેદવાર લતાબેન લોત્યાનો ભવ્ય વિજય થતા ભાજપા પાર્ટીના આગેવાનો અને પાયાનાં કાર્યકર્તાઓ ગેલમાં જોવા મળ્યા હતા.જ્યારે કૉંગ્રેસ અને અપક્ષ પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓ નિરાશાની ગર્તામાં ધકેલાયા હતા.ડાંગ ભાજપ દ્વારા કડમાળ સીટનાં ઉમેદવારને વધાવી લઈ મોઢું મીઠું કરી ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો..

Back to top button
error: Content is protected !!