
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પેટા:-ડાંગ જિલ્લા પંચાયતની સુબિર બેઠક પર સાસુ-વહુ વચ્ચે સીધી ટક્કરથી રાજકીય રસાકસી તેજ બની..
ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને અંતિમ દિવસે ભાજપા દ્વારા જોરદાર શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.જિલ્લાની કુલ 18 જિલ્લા પંચાયત બેઠકો તેમજ ત્રણેય તાલુકાની 48 તાલુકા પંચાયત બેઠકો માટે પ્રદેશ ભાજપાએ શુક્રવારે મોડી રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.ત્યારબાદ શનિવારે તમામ ઉમેદવારોએ વિધિવત રીતે પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.ડાંગનાં આહવા, વઘઈ અને સુબિર તાલુકામાં ભાજપાના ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમંગભેર જોડાયા હતા. ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈ અને જિલ્લા ભાજપા પ્રમુખ કિશોરભાઈ ગાવીતના નેતૃત્વ હેઠળ પાર્ટી કાર્યાલયથી રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉમેદવારોએ ચૂંટણી અધિકારીઓ સમક્ષ ફોર્મ રજૂ કર્યા હતા અને તમામને સત્તાવાર મેન્ડેટ પણ આપવામાં આવ્યુ હતુ.ભાજપા પાર્ટીએ આ ચૂંટણીમાં બહુમતીથી જીત હાંસલ કરવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.બોક્ષ:-(1)સુબિર જિલ્લા બેઠક પર સાસુ-વહુ વચ્ચે અનોખી ટક્કર..સુબિર જિલ્લા પંચાયત બેઠક પર રસપ્રદ રાજકીય પરિસ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસ તરફથી જ્યનુબેન બાબુભાઈ બાગુલે ઉમેદવારી નોંધાવી છે, જ્યારે ભાજપા તરફથી તેમની વહુ પ્રિયંકાબેન રાજુભાઈ કુંવરે ફોર્મ ભરતા સાસુ-વહુ વચ્ચે સીધી ટક્કર સર્જાઈ છે. આ અનોખી રાજકીય જંગને કારણે સમગ્ર જિલ્લામાં આ બેઠક ખાસ ચર્ચામાં આવી છે.
બોક્ષ:-(2) શામગહાન જિલ્લા સીટ પરથી ભાજપામાંથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારીથી રાજકીય ગરમાવો.આહવા તાલુકાની શામગહાન જિલ્લા બેઠક પર ભાજપામાં ટિકિટ ન મળતા કમળીબેન અર્જુનભાઈ ગવળીએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. જેના કારણે આ બેઠક પર પણ રાજકીય સ્પર્ધા વધુ તીવ્ર બની છે.
બોક્ષ:-(3) ડાંગ કૉંગ્રેસ પણ અંતિમ દિવસે મેદાનમાં સક્રિય બની.શનિવારે અંતિમ દિવસે સુબિર અને આહવા તાલુકામાં કૉંગ્રેસના ઉમેદવારોએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ડાંગ કૉંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે અને માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતના નેતૃત્વમાં તમામ જિલ્લા અને તાલુકા બેઠકો માટે ઉમેદવારો ઉત્સાહપૂર્વક મેદાનમાં ઉતર્યા હતા.ડાંગ જિલ્લામાં ભાજપા અને કૉંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો દ્વારા અંતિમ દિવસે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતાં હવે આવનારા દિવસોમાં ચૂંટણીમાં જોરદાર રસાકસી જોવા મળશે. મહત્વપૂર્ણ બેઠકો પર કોણ બાજી મારશે તે જોવું હવે રસપ્રદ બનશે..






