GUJARATTHARADVAV-THARAD

થરાદમાં દાદાગીરીનો કાળો ખેલ: ધાકધમકી અને ઢોરમારથી યુવકને મોતની છલાંગ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

થરાદ શહેરમાં બે માથાભારે શખ્સોની ખુલ્લી દાદાગીરીએ એક નિર્દોષ યુવકની જિંદગી છીનવી લીધી છે. ધમકીઓ, અપમાન અને ઢોરમારથી તૂટી ગયેલો યુવક જીવ બચાવવાનો કોઈ રસ્તો ન દેખાતા કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કરવા મજબૂર બન્યો. આ ઘટનાના સીસીટીવી દૃશ્યો સામે આવતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે.

ચામુંડા નગરમાં રહેતા શ્રવણ ઠાકોરને મોન્ટુ મહારાજ નામનો શખ્સ લાંબા સમયથી અંગત બાબતે ધાક-ધમકી આપી હેરાન કરતો હતો. 16 જાન્યુઆરીએ શ્રવણને મળવા બોલાવી, મોટા મેસરા ગામના ભરત દવે સાથે મળીને નાની વાતે ઉશ્કેરાયેલા બંનેએ શ્રવણને ઢોરમાર માર્યો હતો. એટલું જ નહીં, “એક અઠવાડિયું રાહ જો, તને ગધેડા પર બેસાડી આખા થરાદમાં ફેરવીશું, જીંદગી જીવવા લાયક નહીં રાખીએ” જેવી ભયાનક ધમકીઓ આપી પોતાની ‘ઊંચી ઓળખાણ’ની શેખી પણ મારી હતી.

માથાભારે શખ્સોની ધમકીઓથી ભયભીત બનેલો શ્રવણ સાથી યુવક સાથે ઘરે જતો હતો, પરંતુ રસ્તામાં જ એક્ટિવા પરથી ઉતરી દોડતો કેનાલમાં કૂદી પડ્યો. ચાર દિવસ સુધી શોધખોળ બાદ ગઇકાલે લુણાલ ગામના પુલ પાસેથી તેનું શવ મળ્યું.

પરિવારના યુવાન દીકરાને દાદાગીરીના દાનવો દ્વારા મરવા મજબૂર કરાતા ઠાકોર સમાજ અને પરિવારજનોમાં ઉકળાટ ફાટી નીકળ્યો હતો. ગઇકાલે તેઓ થરાદ એસ.પી કચેરીએ એકઠા થઈ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી. ભારે દબાણ બાદ મોડી રાત્રે મોન્ટુ મહારાજ અને ભરત દવે સામે થરાદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

Back to top button
error: Content is protected !!