વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. સાકરપાતાળ સ્થિત બ્લુ બ્લડ હોસ્પિટલના સંચાલકોએ વૈદેહી સંસ્કાર ધામ શિવારીમાળના અંદાજે 60 જેટલા અનાથ બાળકોને વિનામૂલ્યે સારવાર આપીને સાચા અર્થમાં સેવા યજ્ઞ કર્યો છે.હોસ્પિટલના આ નિઃસ્વાર્થ કાર્યથી સમાજમાં માનવતાની મહેક પ્રસરી છે.વઘઇ તાલુકાના શિવારીમાળ ખાતે આવેલું વૈદેહી સંસ્કાર ધામ આશરે 60 જેટલા અનાથ કુમાર અને કન્યા વિદ્યાર્થીઓ માટે આશ્રયસ્થાન છે.આ સંસ્કાર ધામના પૂજ્ય સાધ્વી યશોદા દીદી આ તમામ બાળકોને પોતાના આશ્રમમાં રહેવા, જમવા અને નજીકની શાળાઓમાં અભ્યાસ માટે વિનામૂલ્યે વ્યવસ્થા પૂરી પાડે છે.દીદીની નિઃસ્વાર્થ ભાવનાથી આ બાળકોનું જીવન સવરી રહ્યું છે.હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે આશ્રમમાં રહેતા અનેક બાળકોમાં વાયરલ ફીવરનો વાવર ફાટી નીકળ્યો હતો. બાળકોની તબિયત લથડતાં પૂજ્ય યશોદા દીદી ચિંતિત બન્યા હતા.તેમણે સૌપ્રથમ નજીકના શામગહાન સ્થિત સરકારી CH C (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) ખાતે બાળકોની સારવાર કરાવી. જોકે, સરકારી દવાખાનામાં સારવાર અપાવ્યા બાદ પણ બાળકોની તબિયતમાં કોઈ ખાસ ફર્ક ન પડતાં યશોદા દીદીની ચિંતા વધી હતી.આ કપરા સમયમાં, સાધ્વી પૂજ્ય યશોદા દીદીએ સાકરપાતાળમાં આવેલી ખાનગી બ્લુ બ્લડ હોસ્પિટલનો સંપર્ક કર્યો અને તમામ બીમાર બાળકોને તાત્કાલિક સારવાર માટે દાખલ કરાવ્યા.હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર રોહિત શર્મા અને તેમની નિષ્ણાત ટીમે આ તમામ ગરીબ અને અનાથ બાળકોની ખૂબ જ સંવેદનશીલતા સાથે સારવાર શરૂ કરી. સઘન સારવાર અને યોગ્ય દવાઓના કારણે થોડા જ દિવસોમાં તમામ બાળકો સંપૂર્ણપણે સાજા થઈ ગયા.જ્યારે સાધ્વી યશોદા દીદીએ હોસ્પિટલના સંચાલકોને સારવાર અને દવાઓનો ખર્ચ પૂછ્યો, ત્યારે હોસ્પિટલના ડોક્ટર રોહિત શર્મા અને તેમની ટીમે એક પણ રૂપિયો લેવાનો ઇનકાર કર્યો હતો. તેમણે વૈદેહી સંસ્કાર ધામના અનાથ બાળકોની સારવાર અને દવાઓ પાછળનો તમામ ખર્ચ માફ કરીને વિનામૂલ્યે સેવા બજાવી હતી.બ્લુ બ્લડ હોસ્પિટલના સંચાલકોએ આ ઉમદા કાર્ય દ્વારા સાબિત કરી બતાવ્યું છે કે આરોગ્ય સેવા માત્ર વ્યવસાય નહીં, પણ માનવ સેવા પણ છે. અનાથ બાળકોને વિનામૂલ્યે સેવા આપીને તેમણે સમાજમાં માનવતાની મહેક પ્રસરાવી એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે..