BUSINESS

બજારની અસ્થિરતા વચ્ચે QIPની ગતિ ધીમી પડી…!!

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) દ્વારા તાજેતરમાં ૨૫,૦૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવાની ઘટનાને બાદ કરીએ તો, આ વર્ષે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) મારફતે ભંડોળ એકત્ર કરવાની ગતિ ગયા વર્ષની સરખામણીએ નોંધપાત્ર રીતે ધીમી રહી છે.

ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં, કુલ ૨૭ કંપનીઓએ QIP દ્વારા ૫૭,૨૫૪ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૫૮ કંપનીઓએ મળીને ૬૪,૯૨૪ કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. જો એસબીઆઈની વિશાળ ફંડરેઇઝિંગને અલગ રાખીએ, તો આ વર્ષે ભંડોળનું સ્તર ગયા વર્ષની સરખામણીએ અડધાથી પણ ઓછું રહેત.

બજાર નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, યુએસ ટેરિફ મુદ્દા અને અન્ય વૈશ્વિક પરિબળોને કારણે આખા વર્ષ દરમિયાન બજારમાં અસ્થિરતા જોવા મળી હતી. તેમ છતાં, તાજેતરના જીએસટી ઘટાડા તથા તહેવારોની મોસમ દરમિયાન વધેલા વપરાશની અસર જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામોમાં જોવા મળી શકે છે. આથી કંપનીઓ ફરીથી QIP મારફતે બજારમાં આવવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે.

વિશ્લેષકો માને છે કે તહેવારોની મોસમ પછી વધુ QIPની જાહેરાત થવાની શક્યતા છે. નોંધનીય છે કે QIP એ એવી પદ્ધતિ છે જેમાં કંપની બજાર ભાવની તુલનામાં ઓછી કિંમતે પસંદગીના રોકાણકારોને નવા શેર જારી કરી શકે છે. ફોલો-ઓન ફંડરેઇઝિંગ માટે તે ઝડપી અને ઓછા ખર્ચાળ વિકલ્પ તરીકે કંપનીઓની પ્રથમ પસંદગી બની રહે છે.

Back to top button
error: Content is protected !!