બોટાદ કિસાન મહાપંચાયત એલાન બાદ હડદડમાં પોલીસના વાહનો પર પથ્થરમારો થયો હોવાની ચોંકાવનારી ઘટના ઘટી
બોટાદ કિસાન મહાપંચાયત એલાન પછી આજે (12 ઓક્ટોબર) ગુજરાતભરમાં આપના નેતાઓની અટકાયત કરવામાં આવી રહી છે, ત્યારે કિસાન મહાપંચાયત સભામાં જઈ રહેલા AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની પોલીસે અટકાયત કરી છે. તેવામાં બોટાદના હડદડમાં પોલીસના વાહનો પર પથ્થરમારો થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, બોટાદના હડદડમાં ચાલી રહેલી AAPની સભામાં પોલીસ પહોંચી હતી. આ દરમિયાન પોલીસના વાહનો પર પથ્થરમારો કરાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.
સમગ્ર બનાવને લઈને SPએ કહ્યું કે, ‘મંજૂરી વગર મહાપંચાયતનું આયોજન થયું હતું. લોકો ગેરકાયદે એકઠા થતા પોલીસ પહોંચી હતી. પોલીસ પહોંચતા જ લોકોએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે ટિયર ગેસના સેલ છોડીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. હડદડ ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.’
કિસાન પંચાયતને લઈને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બોટાદ શહેર અને જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેમાં પોલીસ અધિક્ષક (SP) સહિત ચાર નાયબ પોલીસ અધિક્ષક (DySP), 15 PI, 50 PSI અને 1000 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા હતા, તેમ છતાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી.