સગીરાઓ ગર્ભવતી થવાના મામલે ચોંકાવનારા આંકડા સામે આવ્યા

બોટાદ જિલ્લામાં સગીરા ગર્ભવતી થવાના આંકડા ચિંતાજનક સામે આવ્યાં છે. છેલ્લા 3 વર્ષમાં 427 સગીરા પ્રેગ્નન્ટ બની છે. બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્યે સગીરા ગર્ભવતીના આકડાને લઈ ચિંતા વ્યક્ત કરી છે. તો વિપક્ષ કોંગ્રેસે જણાવ્યું કે સરકાર લાખોના ખર્ચા કરી તાયફા કરે છે, નક્કર કામગીરી થવી જોઈએ, આ જે આકડા આવ્યાં છે. જે શરમજનક કહેવાય.
બોટાદ જિલ્લામાં સગીર વયની દીકરીઓના ગર્ભવતી થવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જે સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 427 સગીરા ગર્ભવતી બની હોવાનું સામે આવ્યું છે. જે તંત્રની કામગીરી અને સામાજિક જાગૃતિ સામે ગંભીર સવાલો ઊભા કરે છે. ઉલ્લેખનીય છે કે હજુ સુધી આ મામલે એ સામે આવ્યું નથી કે, આ તમામ બાળાઓના લગ્ન થયા છે કે નહીં
બોટાદ જિલ્લામાં સગીરાવસ્થામાં માતૃત્વ ધારણ કરનાર કિશોરીઓની સંખ્યામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે:
- 2023-24: 149 સગીરા ગર્ભવતી થઈ
- 2024-25: આ આંકડો વધીને 154 પર પહોંચ્યો
- 2025-26: અત્યારસુધીમાં 124 કેસ નોંધાયા છે
- બોટાદ જિલ્લાના ચારેય તાલુકા વાર આકડાઓ જોઈએ તો…
- બરવાળા.. 2023-24: 17 | 2024-25: 19 | 2025-26: 18.
- બોટાદ.. 2023-24: 69 | 2024-25: 65 | 2025-26: 29.
- ગઢડા – સૌથી ચિંતાજનક
- 2023-24: 41 | 2024-25: 59 | 2025-26: 67.
- રાણપુર – સૌથી ઓછા આંકડા
- 2023-24: 22 | 2024-25: 11 | 2025-26: 10.
આમ ગઢડા તાલુકામાં સગીરા ગર્ભવતીના આંકડામાં સતત વધારો જોવા મળે છે. જ્યારે રાણપુરમાં ઓછા આંકડા જોવા મળે છે.
આ ગંભીર વિષય પર જ્યારે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. ભારતીબેન ધોળકિયાનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે આંકડાકીય માહિતી તો આપી હતી, પરંતુ કેમેરા સામે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. અધિકારીઓનું આવું મૌન અનેક તર્ક-વિતર્ક સર્જે છે.
બોટાદ જિલ્લામાં સગીરા ગર્ભવતી થવાના ચોંકાવનારા આકડાઓ સામે આવતા બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્ય કમલેશભાઈ રાઠોડે પ્રતિક્રીયા આપતા જણાવ્યું કે, આ આંકડા માત્ર ચિંતાજનક નહીં પરંતુ ભવિષ્ય માટે પણ ગંભીર સંકેત આપે છે. બાળ વિવાહ અને સગીર ગર્ભાવસ્થાના કિસ્સાઓ અટકાવવા માટે કાયદાની સાથે સાથે સમાજમાં જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે.




