AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે બન્ને ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે પ્રકૃતિએ તેની અનમોલ સુંદરતાનાં દ્વાર ખોલી દીધા છે.મેઘરાજાની શ્રીકાર વર્ષાથી ડાંગનો કણ-કણ ખીલી ઉઠ્યો છે.અને તેની ભવ્ય  અને જાજરમાન ઝલક જોવા મળી રહી છે.ડાંગ જિલ્લાનો પ્રખ્યાત ગીરાધોધ એટલે વઘઇનો ગીરાધોધ તરીકે ઓળખ ધરાવે છે.વઘઈ નજીક અંબિકા નદી પર આવેલો અને ‘નાયગ્રા ફોલ’ તરીકે જાણીતો ગીરાધોધ, સીઝનમાં પ્રથમ વખત પોતાના રૌદ્ર અને ભવ્ય સ્વરૂપમાં આવી ગયો છે, જે પ્રવાસીઓ માટે એક નવલો અને અદ્ભુત નજારો લઈને આવ્યો છે.

ડાંગ જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ એટલો વધી ગયો છે કે નદી ગાંડીતુર બનીને વહી રહી છે. આ પાણી સીધું ગીરાધોધમાં ખાબકતા, લાંબા સમયથી અતૃપ્ત રહેલો આ ધોધ ફરી જીવંત બની ગયો છે. અખૂટ જળરાશિ સાથે નીચે ધસમસતા પાણીના પ્રવાહે અહીં અદભૂત અને બેનમૂન દ્રશ્યો સર્જ્યા છે. ધોધનું પાણી નીચેના ખડકો પર પછડાઈને સફેદ ફીણના ગોટે ગોટા ઉડાડે છે,જે વાતાવરણને વધુ પ્રભાવશાળી બનાવે છે. આ નવપલ્લવિત નીરનો અભિષેક સ્થાનિકો અને પ્રવાસીઓ બંને માટે કુદરતની એક અણમોલ ભેટ સમાન છે, જે સદા અવિસ્મરણીય રહેશે.ડાંગ જિલ્લાનાં વઘઈનાં ગીરાધોધની સાથે સાથે, સુબિર તાલુકાનાં ગીરાનદી પર આવેલો ગીરમાળનો ગીરાધોધ પણ અખૂટ જળરાશિ સાથે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.આ વિસ્તારમાં પણ ધોધનું પાણી વહેતા આસપાસનું વાતાવરણ રળિયામણું બની ગયુ છે. ચોમાસાની શરૂઆત થતા જ ડાંગની લીલોતરી અને ધોધના મનમોહક દ્રશ્યો પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે.આ દ્રશ્યો જોઈને કોઈ પણ કહી ઉઠે કે, “વાહ રે કુદરત, તું એક બાજુથી તારાજી પણ સર્જી શકે છે તો બીજી બાજુ છુટા હાથે કુદરતી સૌંદર્ય પણ વેરી શકે છે.” એક તરફ અતિવૃષ્ટિના કારણે કેટલાક વિસ્તારોમાં તારાજીના અહેવાલ મળે છે, ત્યારે ડાંગ જેવા પ્રકૃતિમય વિસ્તારોમાં ધોધ અને નદીઓનું રૌદ્ર સ્વરૂપ મનોરમ્ય દ્રશ્યોની સાથે કુદરતની બેવડી છબિ રજૂ કરે છે.હવે, પ્રવાસીઓ માટે ડાંગની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય આવી ગયો છે. સોળે કળાએ ખીલી ઉઠેલા ગીરાધોધનું સૌંદર્ય માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. ધોધના પાણીનો ગડગડાટ, આસપાસની ગાઢ લીલોતરી અને ઠંડી હવા મન અને આત્માને શાંતિ પ્રદાન કરે છે. સ્થાનિક પ્રશાસન દ્વારા પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધા માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.આ ચોમાસામાં ડાંગની મુલાકાત લઈને કુદરતના આ બન્ને અદ્ભુત ધોધનાં ચમત્કારને પ્રત્યક્ષ નિહાળવાનો અનુભવ ખરેખર યાદગાર બની રહેશે..

Back to top button
error: Content is protected !!