
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે આજરોજ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.સદભાગ્યે, આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લામાંથી અંદાજે 18 પ્રવાસીઓ ટેમ્પો ટ્રાવેલરમાં સવાર થઈ સાપુતારા ફરવા આવ્યા હતા.પ્રવાસ દરમિયાન ટેબલ પોઈન્ટ પરથી નીચે ઉતરતા સમયે અચાનક ટેમ્પો ટ્રાવેલરની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી.બ્રેક ફેઈલ થવાને કારણે વાહન ચાલકનું નિયંત્રણ ખોવાઈ ગયું અને ટેમ્પો ટ્રાવેલર નજીક આવેલી રોપવે કેબિન સાથે જોરદાર અથડાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે જો વાહન થોડું પણ આગળ સરક્યું હોત તો તે સીધુ ઊંડી ખીણમાં ખાબકી શકતુ હતુ અને મોટી દુર્ઘટના સર્જાઈ હોત.સદભાગ્યે, રોપવે કેબિન સાથે અથડાઈને વાહન થંભી જતાં મોટી જાનહાનિ ટળી હતી.આ અકસ્માતમાં કુલ 18 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા, પરંતુ તમામ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સાપુતારા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમની સારવાર કરી હતી. હાલ તમામ પ્રવાસીઓની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પંચનામું કરીને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.વીકએન્ડ દરમિયાન પ્રવાસીઓથી ઉભરાતા સાપુતારામાં બનેલી આ ઘટનાએ વાહન ચાલકો તેમજ પ્રવાસીઓની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર ચિંતા ઊભી કરી છે..





