વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતનો દક્ષિણ ભાગ તેની વિવિધ ઔષધીય વનસ્પતિઓ માટે જાણીતો છે. ત્યારે હાલમાં, ડાંગ જિલ્લાનાં ઘટાદાર જંગલોમાં “અળવા” નામના ફળથી વૃક્ષો લચી પડ્યા છે. ડાંગનું આ ઔષધીય ફળ કમોસમી વરસાદ પછી આદિવાસી લોકો માટે ખોરાક અને ઘરેલું ઉપચાર તરીકે ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.ડાંગ જિલ્લાના ગોંડલવિહીર ગામના જીગ્નેશભાઈ તેમના પશુઓને ચરાવતી વખતે જંગલમાં અળવાના વૃક્ષો જોઈને આશ્ચર્યચકિત થયા હતા. ડાંગ જિલ્લામાં ઘણા ઓછા લોકો આ ફળના નામ અને ગુણો વિશે જાણે છે, પરંતુ દરેક ગામનાં સ્થાનિક લોકો તેનો ઉપયોગ કરે છે.આ અંગે વધુ માહિતી મેળવવા માટે તેમણે દક્ષિણ ગુજરાત ગ્રુપના પર્યાવરણ પ્રેમી અમિતભાઈ રાણાનો સંપર્ક કર્યો હતો. અમિતભાઈએ તેમની ડાંગની મુલાકાત દરમિયાન માર્ચથી એપ્રિલ વચ્ચે આળવાના વૃક્ષો જોયા હોવાનું જણાવ્યુ હતુ. તેમણે ઉમેર્યું હતું કે ડાંગી આદિવાસીઓ આ ફળનો ભરપૂર ઉપયોગ કરે છે, પરંતુ માહિતીના અભાવે તેના ઔષધીય ગુણોથી તેઓ અજાણ છે.આ ફળનું વૈજ્ઞાનિક નામ Meyna laxiflora છે અને તે ગુજરાતીમાં અલુ, અલી, ફાલફડો વગેરે નામોથી ઓળખાય છે. જો કે, ડાંગ વિસ્તારના આદિવાસીઓ તેને અલવા, આળવા, અયીવા જેવા વિવિધ નામોથી ઓળખે છે.દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં તેને “જંગલી ચીકુ” તરીકે પણ ઓળખવામાં આવે છે. ઔષધીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વનસ્પતિ પરંપરાગત રીતે તબીબી ઉપયોગો, બળતરા અને જઠરાંત્રિય વિકારોની સારવાર માટે મહત્વ ધરાવે છે. તેના કાચા ફળો શાકભાજી તરીકે ખાઈ શકાય છે, પાકા ફળો પણ ખાદ્ય હોય છે, જ્યારે સૂકા ફળો નશાકારક હોય છે અને તેનો ઉપયોગ મરડામાં થાય છે.આ પાંચથી દસ મીટર ઊંચાઈ ધરાવતું એક નાનું વૃક્ષ છે. તેના ફળ કાચા હોય ત્યારે લીલા, ચળકતા અને જામફળ જેવા લંબગોળ આકારના હોય છે. પાક્યા પછી તે રાખોડી ભૂરા અને કથ્થાઈ રંગના દેખાય છે. ફળ સ્વાદમાં સહેજ ખાટા-મીઠા હોય છે અને તે વન્યપ્રાણીઓ માટે પણ ખોરાકનો સ્ત્રોત છે. ઘણીવાર તે બજારમાં પણ વેચાય છે. આ ફળ ચીકુ કરતાં નાનું હોય છે અને વર્ષમાં એક જ વાર થાય છે. તેના વૃક્ષો ડાંગના ઊંડા જંગલોમાં જોવા મળે છે.ડાંગ જિલ્લા પર અભ્યાસ કરી રહેલા અમિતભાઈ રાણાએ માહિતી આપી હતી કે ડાંગ જિલ્લામાં આળવાને જંગલી ચીકુ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના જંગલોમાં ઉનાળાની ઋતુમાં અને ચોમાસાની શરૂઆતમાં આ ફળ જોવા મળે છે. તેને સૂકવીને અથવા પકાવીને ખાઈ શકાય છે. આ ફળ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. દક્ષિણ ગુજરાતમાં તે ડાંગ, નવસારી, તાપી અને વલસાડના જંગલોમાં જોવા મળે છે. આ ઉપરાંત, ગુજરાત રાજ્યને અડીને આવેલા મહારાષ્ટ્ર બોર્ડરના આદિવાસી લોકો આ ફળ વેચીને રોજગારી પણ મેળવે છે.ડાંગ જિલ્લામાં અળવાનાં પાકેલા ફળની લોકો ચીરી કરી તેમાં પ્રમાણસર મીઠું નાખી તડકામાં સુકવ્યા બાદ પણ આરોગે છે..