
માનવસેવા અને પરોપકારના ઉત્તમ સંદેશ સાથે કેશોદ ખાતે આયોજિત મહારક્તદાન કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. થેલેસેમિયા તથા કેન્સર પીડિત દર્દીઓના લાભાર્થે યોજાયેલા આ કેમ્પમાં કુલ 33 બોટલ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.આ આયોજન ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીપીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ૧૦૦૮ શ્રી આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા ભાવી આચાર્યશ્રી ૧૦૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ અને આજ્ઞાથી કરવામાં આવ્યું હતું. તેમના પાવન આશીર્વાદથી સમગ્ર કાર્યક્રમને આધ્યાત્મિક અને સેવાભાવી મહત્ત્વ પ્રાપ્ત થયું હતું.શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, જૂનો પ્લોટ, જૂનાગઢ રોડ, કેશોદ ખાતે સવારે ૭:૩૦ કલાકથી કેમ્પનો પ્રારંભ થયો હતો. આ સેવા યજ્ઞમાં યુવાનો તથા નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ મહારક્તદાન કેમ્પનું આયોજન શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી. દીપ પ્રગટ્યા રોટરી ક્લબ પ્રમુખ ડો. સ્નેહલ તન્ના, ઘનશ્યામ પટોડીયા, ઘનશ્યામ લુક્કા, દિનેશ કાનાબાર, સંદેશના પત્રકાર ભરતભાઈ કક્કડ, સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ પોપટ, બળદ આશ્રમના જયદીપસિંહ જાડેજા તથા પંકજભાઈ મારડિયા દ્વારા કરવામાં આવ્યુ હતું.રક્ત સંગ્રહની સમગ્ર પ્રક્રિયા સરદાર પટેલ વોલેન્ટરી બ્લડ બેન્કના સહયોગથી યોજાઈ હતી. આ પ્રસંગે સંજયભાઈ કુંભાણી, જયેશભાઈ ડાભી, પિયુષભાઈ પટેલ તથા ભરતભાઈ ગોસાઈએ મહત્વપૂર્ણ સેવા આપી હતી. બ્લડ બેન્કની ટીમ દ્વારા તમામ દાતાઓની તબીબી તપાસ કરીને સુરક્ષિત રીતે રક્ત સંગ્રહ કરવામાં આવ્યો હતો.આયોજકો દ્વારા જણાવાયું હતું કે એક બોટલ રક્ત અનેક દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની શકે છે. ખાસ કરીને થેલેસેમિયા પીડિત બાળકોને નિયમિત રક્તની જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે આવા કેમ્પો જીવનદાતા બની રહે છે. “તમારું એકવાર રક્તદાન – અનેક લોકોને જીવનદાન” ના સંદેશ સાથે શહેરમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.કેમ્પને સફળ બનાવવા યુવક મંડળના કાર્યકરો, સ્વયંસેવકો અને શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો. અંતે તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી આવનારા સમયમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





