GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ૬ જૂને રાજકોટના પ્રવાસેઃ શહેર-જિલ્લાને રૂ. ૫૫૭ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે

તા.૫/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રૂ. ૩૪૩.૩૯ કરોડનાં ૧૩ વિકાસ કામોનાં લોકાર્પણ તથા રૂ. ૨૧૩.૭૯ કરોડનાં ૨૮ વિકાસ કામોનાં ખાતમુહૂર્ત કરાશે

Rajkot: રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ૬ જૂનના રોજ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. આ તકે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજકોટ શહેર-જિલ્લામાં થયેલા રૂ. ૩૪૩.૩૯ કરોડના ૧૩ વિકાસ કામોનાં લોકાર્પણ તથા રૂ. ૨૧૩.૭૯ કરોડના ૨૮ વિકાસ કામોનાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ શહેર-જિલ્લાને કુલ રૂપિયા ૫૫૭.૧૮ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ મળશે.

રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે સાંજે ૪ કલાકથી આ લોકાર્પણ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે. જેમાં રાજકોટના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા, મેયર શ્રીમતી નયનાબહેન પેઢડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબહેન રંગાણી, સાંસદો સર્વ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરિયા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યો સર્વ શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શિતાબહેન શાહ, શ્રી જયેશભાઈ રાદડીયા, શ્રીમતી ગીતાબા જાડેજા, ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, શ્રી જીતુભાઈ સોમાણી વગેરે ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ માટે જિલ્લા વહીવટી તંત્ર તથા રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.

(બોક્સ)

મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ થનારા વિકાસ પ્રકલ્પોઃ

રાજકોટ જિલ્લાના શહેરી, ગ્રામીણ, વાણિજ્ય, ઔદ્યોગિક તથા કૃષિ વિસ્તારોને અવિરત વીજ પુરવઠો પુરો પાડવા, ગુજરાત ઊર્જા પરિવહન નિગમ દ્વારા રૂ. ૨૩૮.૧૧ કરોડના ખર્ચે ૬૬ કે.વી.ના નવા સાત સબ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જિલ્લાના છેવાડાના વિસ્તારોના નાગરિકોને દરરોજ માથાદીઠ ૧૦૦ લીટર પાણી મળી રહે તે માટે નર્મદા, જળસંપત્તિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રૂ. ૮૪.૨૯ કરોડના ખર્ચે મોવિયા, મચ્છુ-૧ અને પડધરી એમ ત્રણ જૂથ પાણી પુરવઠા યોજનાના વિસ્તરણનાં કામો સંપન્ન થયા છે. આ ત્રણ જૂથ યોજનાઓ થકી રાજકોટ, વાંકાનેર, ગોંડલ, કોટડાસાંગાણી, પડધરી, લોધિકા અને ધ્રોલ તાલુકાનાં ૧૩૨ ગામ-નગરોના આશરે ૩.૭૦ લાખથી વધુ લોકોને માથાદીઠ ૧૦૦ લીટર પાણી નિયમિત મળશે.

જસદણ ખાતે આશરે સાત એકરમાં રૂ.૮.૪૦ કરોડના ખર્ચે તાલુકા કક્ષાનું રમત સંકુલ નિર્માણ પામ્યું છે.

રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા ખીરસરા-લોધિકા રોડનું રૂ. ૬.૬૮ કરોડના ખર્ચે રિ-સરફેસિંગ કરવામાં આવ્યું છે.

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રેસકોર્સમાં રૂ. ૫.૯૧ કરોડના ખર્ચે અદ્યતન આર્ટ ગેલેરીનું નિર્માણ કરાયું છે. આ તમામ પ્રકલ્પોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ થશે.

(બોક્સ)

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થનારા વિકાસ પ્રકલ્પોઃ

રાજકોટ જિલ્લામાં પાંચ માર્ગો તથા બ્રિજનું રૂ. ૧૦૫.૯૧ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. જે અંતર્ગત લોધિકા- રીબડા – કોટડા સાંગાણી રોડ, રામપર – સરપદડ – ખીરસરા રોડ, કોઠારિયા – કોટડા સાંગાણી રોડ, જસદણ – ભડલી- ગઢડા રોડ, ધોરાજી-પાટણવાવ રોડનું મજબૂતીકરણ તથા રિ-સરફેસિંગ કરાશે. તેમજ ગોંડલ ખાતે હોસ્પિટલ બ્રિજ તથા સરદાર બ્રિજનું પુનઃ નિર્માણ કરાશે.

રાજકોટ શહેરના નાગરિકોને વધુ સુવિધાઓ આપવાના હેતુથી મહાનગરપાલિકા દ્વારા રૂ. ૫૦.૫૨ કરોડની રકમનાં ૧૭ વિકાસ કામો હાથ ધરાશે. જે અંતર્ગત પ્રાથમિક શાળા માટે નવું બિલ્ડિંગ, આંગણવાડીનું બાંધકામ, નવા ફિલ્ટર પ્લાન્ટ અને વરસાદી પાણી થકી ભૂગર્ભ જળ સંચય જેવા કાર્યો અને પર્યાવરણ સંરક્ષણના કામો કરવામાં આવશે. આ સાથે શહેરના વિવિધ વોર્ડમાં ડ્રેનેજ, કચેરીઓના રી-કન્સ્ટ્રક્શન, પેવિંગ બ્લોક, ભૂગર્ભ ગટર, રસ્તા અને વોટરવર્કસ્ નેટવર્કને વધુ મજબૂત કરવાનાં કામો કરાશે.

જિલ્લામાં આરોગ્ય સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા રૂ. ૪૬. ૩૧ કરોડનાં વિકાસ કામો હાથ ધરાયા છે. જસદણના સામુદાયિક આરોગ્ય કેન્દ્રને રૂ. ૩૨.૧૨ કરોડના ખર્ચે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે અપગ્રેડ કરવામાં આવશે. ઉપરાંત રાજકોટની મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારોની સુવિધા માટે મલ્ટી લેવલ કાર પાર્કિંગની સુવિધા રૂ. ૧૪.૧૯ કરોડના ખર્ચે ઊભી કરાશે.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૂ. ૬.૧૪ કરોડના ખર્ચે તરઘડીથી બાગી ગામ સુધી વિશિષ્ટ બિટ્યૂમિનસ રોડ બનાવવામાં આવશે. જેનાથી લોકોને ચોમાસા દરમ્યાન થતી મુશ્કેલીઓનો અંત આવશે.

પી.જી.વી.સી.એલ.ની માળખાકીય સુવિધામાં વધારો કરતાં માધાપર અને બેડીનાકા સબ ડિવિઝન ઓફિસના બિલ્ડિંગનું બાંધકામ રૂ. ૪.૩૬ કરોડના ખર્ચે કરવામાં આવશે.

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રૂ. ૫૫ લાખના ખર્ચે રાજકોટના ઈશ્વરીયા પાર્ક ખાતે “કેક્ટસ ગાર્ડન”નું નિર્માણ કરવામાં આવશે. આ તમામ પ્રકલ્પોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થશે.

Back to top button
error: Content is protected !!