ભાજપના સોશિયલ મીડિયા સેલના માજી કન્વીનરે યુવતી પર દુષ્કર્મ આચર્યું, ‘તારા જેવી 17 છોકરી સાથે મારા પુત્ર…’: આરોપીના માતા-પિતા

નવસારીના ટેટુ આર્ટિસ્ટ અને ભાજપના સોશિયલ મીડિયા સેલના માજી કન્વીનરે આદિવાસી યુવતી પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. આ મામલે પીડિત યુવતીએ કરેલી અરજીના આધારે એસ.સી.- એસ.ટી. સેલના ડીવાયએસપીએ તપાસ આદરી દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવસારીના ટેટુ આર્ટિસ્ટ અને ભાજપાના મીડિયા સેલના પૂર્વ કન્વીનર જય સોની સામે બે દિવસ અગાઉ આદિવાસી સમાજની યુવતીએ ગંભીર આક્ષેપો સાથે કરેલી અરજી કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ‘એક વર્ષ પહેલા હું મારી બહેનપણી સાથે ટેટૂ કરાવવા સ્ટુડિયોમાં ગઈ હતી. ટેટૂ આર્ટિસ્ટ જય સોનીએ શરીરે ટેટૂ પાડી મારો મોબાઈલ નંબર લીધો હતો. ત્યારબાદ મોબાઈલ ઉપર ‘લવ યુ અને તને હગ કરવાનો છે તેવા મેસેજ કરી મને પામવાનો પ્રયત્ન કરતો હતો. હું મારી પત્નીને છૂટાછેડા આપવાનો છું તેમ કહી જય સોનીએ મને વિશ્વાસમાં લઈ લગ્નની લાલચ આપી અલગ-અલગ જગ્યાએ ઘણી વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા.’
આ અરજી અંગે નવસારી એસસીએસટી સેલના ડીવાયએસપી હરેશ ચાંદુએ તપાસ કરી નવસારી સીટી પોલીસમાં ભાજપના કાર્યકર જય સોની સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.



