રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોનું ૧૦૦ ટકા e-KYC કરાવવા ઝુંબેશ હાથ ધરાઈ: અત્યાર સુધીમાં ૭૮ લાખથી વધુ લાભાર્થીઓની e-KYC પ્રક્રિયા પૂર્ણ

*રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોનું ૧૦૦ ટકા e-KYC કરાવવા ઝુંબેશ*
*હાથ ધરાઈ: અત્યાર સુધીમાં ૭૮ લાખથી વધુ લાભાર્થીઓની e-KYC પ્રક્રિયા પૂર્ણ*
*રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં ‘MY RATION’ મોબાઈલ*
*એપ સહિત વિવિધ ત્રણ રીતે e-KYC કરાવી શકશે*
*કેન્દ્ર સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સહિત તમામ રાજ્યના લાભાર્થીઓના-જનસંખ્યાના રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરી સાચા અને તે જ વ્યક્તિના આધાર નંબરો સીડ થાય તે માટે ૧૦૦ ટકા e-KYC સમયમર્યાદામાં પૂર્ણ કરવા દેશવ્યાપી ઝુંબેશ હાથ ધરાઈ છે. આ ઝુંબેશમાં સહભાગી થઇને e-KYC કરાવવા રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.*
*રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૬.૧૯ લાખ રેશનકાર્ડનાં ૭૮.૫૪ લાખ લાભાર્થીઓની e-KYC વેરીફીકેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે, બાકીના રેશનકાર્ડ લાભાર્થીઓની e-KYC પ્રક્રિયા વેહલી તકે પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.*
*રેશનકાર્ડ ધારકો હવે સરળતાથી ઘરેબેઠાં ‘MY RATION’ મોબાઈલ એપ્લિકેશન થકી e-KYC કરી શકે છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ મામલતદાર- ઝોનલ કચેરીમાં, ગ્રામીણ સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં V.C.E દ્વારા ‘આધાર’ આધારિત બાયો-મેટ્રિક પ્રમાણીકરણ તેમજ ‘PDS+’ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ‘આધાર’ આધારિત ‘ફેસ ઓથેન્ટિકેશન’ દ્વારા આમ, ત્રણ રીતે e-KYC કરાવી શકે છે.*
*રેશનકાર્ડ ધારકે e-KYC કરાવવા રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર તેમજ આધાર નંબરની માત્ર વિગતો આપવાથી જ e-KYCની પ્રક્રિયા પૂર્ણ થઇ જાય છે.*
*જ્યારે, વિવિધ વ્યક્તિગત પુરાવાની નકલો-ઝેરોક્ષ કોપી કે બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂર નથી. ઉપરાંત રેશનકાર્ડ લાભાર્થી પોતે ઘરેબેઠાં e-KYC કરી શકે અથવા સરકાર હસ્તક કાર્યરત ઈ-ગ્રામ કેન્દ્ર, મામલતદાર અને ઝોનલ કચેરીથી જ પ્રક્રિયા કરાવવાની રહેશે. આ સિવાય પોતાની કોઈપણ ખાનગી માહિતી અન્ય વ્યક્તિને આપવી નહિ તેની ખાસ તકેદારી રાખવા.
અહેવાલ:- પ્રતિક ભોઈ


