ભરૂચ: રાષ્ટ્રીય કિસાન દિવસે જ ખેડૂતોની આંદોલનની ચીમકી, પાવરગ્રીડની લાઇન મુદ્દે યોગ્ય વળતરની માંગ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના 3 તાલુકામાંથી પાવરગ્રીડની લાઇન પસાર થાય છે ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ કરી છે તંત્ર સાથે ખેડૂતોની બેઠક રહી અનિર્ણિત ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ, વાગરા અને જંબુસર તાલુકામાંથી પસાર થતી પાવર ગ્રીડ 765 કેવીની લાઈન મુદ્દે સોમવારે રાષ્ટ્રીય કિસાન દિવસે જ ખેડૂતો સાથેની તંત્રની બેઠક અનિર્ણિત રેહતા ખેડૂતો આંદોલનના મૂડમાં આવી ગયા છે.
ભરૂચના વાગરા, જંબુસર અને ભરૂચ તાલુકામાંથી પાવર ગ્રીડ 765 કેવીની લાઈન નાખવાની તૈયારી શરુ કરાતા અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ વળતર મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો.જેને લઇ વહીવટી તંત્રએ ખેડૂતો સાથે બેઠકોનો દોર શરુ કર્યો હતો.ખેડૂતો દ્વારા યોગ્ય વળતર મુદ્દે આવેદનપત્ર આપવા છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો ન હતો આજે રાષ્ટ્રીય કિસાન દિવસે જ કલેકટર કચેરી ખાતે અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક બોલાવવામાં આવી હતી.જે બેઠક પણ અગાઉની બેઠકોની જેમ વળતર મુદ્દે અનિર્ણિત રહી હતી.રોષે ભરાયેલા ખેડૂતોએ જો વહેલી તકે યોગ્ય વળતર આપવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.




